નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના પોલીટિકલ ડ્રામા વચ્ચે ધૂળેટીના પર્વે કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને કેસરિયા કર્યાં છે. આ નિર્ણય જ્યોતિએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પછી લીધો હતો. સિંધિયા - મોદીની આ મુલાકાત વડોદરાના રાજવી પરિવારે કરાવી હોવાનું કહેવાય છે. ભાજપ તરફથી કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે સિંધિયા ઓપરેશન પાર પાડ્યું હોવાની ચર્ચા છે.
વડોદરા સ્ટેટના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના કાકા અને રાજવી સંગ્રામસિંહનાં દીકરી પ્રિયદર્શિની રાજે ગ્વાલિયરનાં રાજવી પરિવારનાં જ્યોતિરાદિત્ય સિંધિયાનાં પત્ની છે.
વડોદરાના જમાઈ જયોતિરાદિત્ય ઘણા લાંબા સમયથી મધ્ય પ્રદેશની કમલનાથ સરકારથી નારાજ હતા અને તેમને ભાજપમાં લાવવા વડોદરા રાજવી પરિવારની મદદ લેવાઈ હોવાનું રાજકીય વિશેષજ્ઞો દ્વારા ચર્ચાઈ રહ્યું છે.
અમિત શાહના નિવાસ્થાને જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે જ્યારે બેઠક થઈ ત્યારે વડા પ્રધાન મોદી, પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા, શિવરાજસિંહ ચૌહાણ અને અન્ય નેતાઓ હાજર હતા. ભાજપ અને સિંધિયા વચ્ચે જ્યારે વાટાઘાટો થઈ ત્યારે વડોદરાનાં મહારાણીના પત્રને પણ ધ્યાનમાં લેવાયો હતો. આ વાટાઘાટોમાં પત્રએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હોવાનું કહેવાય છે. જ્યોતિનાં સસરા સંગ્રામસિંહના પિતા પ્રતાપસિંહ ગાયકવાડ આઝાદી પહેલાં વડોદરા સ્ટેટનાં અંતિમ શાસક હતા. સંગ્રામસિંહ અને વડોદરાના વર્તમાન રાજવી સમરજીતસિંહ ગાયકવાડનાં પરિવાર વચ્ચે મિલકત મુદ્દે વિવાદ હતો જે કોર્ટ દ્વારા ઉકેલાયો હતો. તેમાં સંગ્રામસિંહ પાસે વડોદરાનો ઇન્દુમતી પેલેસ અને નજરબાગ પેલેસ આવ્યો હતો. જોકે, સંગ્રામસિંહનો પરિવાર વર્ષોથી મુંબઈમાં વડોદરા હાઉસ રહેતો હતો. પ્રિયદર્શિનીનો ઉછેર પણ મુંબઈમાં જ થયો હતો. પ્રિયદર્શિની અને જ્યોતિરાદિત્ય એકબીજાને મળતા રહેતા હતા અને વર્ષ ૧૯૯૪માં તેમનાં લગ્ન થયાં હતાં. દંપતીને બે સંતાન છે. સિંધિયા પરિવાર વર્ષોથી રાજકારણમાં છે ત્યારે જ્યોતિરાદિત્યને સત્તાપક્ષ સાથે જોડાવામાં વડોદરાના રાજવી પરિવારની મહત્ત્વની ભૂમિકા હોવાનું કહેવાય છે.