વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ અને કેન્દ્ર સરકારના નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટ વચ્ચે તાજેતરમાં જ એમઓયુ થયો છે. આ એમઓયુ અંતર્ગત ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટને રાજ્યના પ્રથમ મેન્યુસ્ક્રિપ્ટ કન્ઝર્વેશન સેન્ટર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે તેમાં આવેલા ૩૦,૦૦૦ જેટલી મેન્યુસ્ક્રિપ્ટની જાળવણી માટે અત્યાધુનિક લેબોરેટરી બનાવવાની કામગીરી પણ આગામી એક મહિનામાં શરૂ થશે.
૧૯૨૭માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી. આ ઇન્સિટ્યૂટમાં હાલમાં ૩૦ હજારથી વધુ પૌરાણિક હસ્તપ્રતો આવેલી છે. કેળના પાન પર લખેલ, તામ્રપત્રો પર લખેલ સેંકડો વર્ષો જૂની હસ્તપ્રતો આજની તારીખમાં હયાત છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટ અને ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે થયેલા એક એમઓયુમાં ઇન્સ્ટિટ્યૂટને મેન્યુસ્ક્રિપ્ટ કન્ઝર્વેશન સેન્ટર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ હસ્તપ્રતોની જાળવી કરવા માટે એક અત્યાધુનિક લેબોરેટરી શરૂ કરવામાં આવશે. આ લેબોરેટરી માટે ૧ કન્ઝર્વેટર, ૧ આસિસ્ટન્ટ કન્ઝર્વેટર અને ૧ કમ્પ્યુટર ઓપરેટર સહિત કુલ ૩ લોકો કેન્દ્ર સરકાર દ્વારા ફાળવાશે અને તમામ ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ઉપાડવામાં આવશે.
મહારાજાની ફાયરપ્રૂફ તિજોરી
પ્રથમ અને દ્વિતિય વર્લ્ડ વોરના સમયે ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં રાખવામાં આવેલી હસ્તપ્રતોને કોઈ નુકસાન ન થાય તે માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ઇંગ્લેન્ડમાંથી ખાસ બે ફાયરપ્રૂફ તિજોરીઓ મંગાવી હતી. આ તિજોરીઓ આજની તારીખે પણ સલામત છે. બે તિજોરીઓ પૈકી એક ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં અને બીજી એક તિજોરી હંસા મહેતા લાઇબ્રેરીમાં રાખવામાં આવી છે.