વડોદરાઃ વડોદરામાં યોજાયેલી ચિંતન શિબિર અંતર્ગત વડસર લેન્ડફીલ સાઇટમાં કચરાના ઢગલા પર બનેલા બગીચાનું લોકાર્પણ કરતી વખતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કચરાના ઢગલા પર બગીચો ઉછેરીને વડોદરાએ રાજયના શહેરોને નવી દિશા આપી છે. ચિંતન શિબિરના છેલ્લા દિવસે નવમીએ સમાપન સમારોહમાં વિજયભાઈ રૂપાણીએ તમામ અધિકારીઓને પીપલ્સ પરસેપ્શન બદલવાની માનસિકતા અપનાવવા જણાવ્યું હતું. તેમણે સરકારનું લક્ષ્ય દંગામુક્ત, બેકારીમુક્ત, ઝુંપડપટ્ટી મુક્ત, ગરીબીમુક્ત, કુપોષણ મુક્ત અને છેવાડાના કલ્યાણયુક્ત ગુજરાત હોવાનું ઉમેર્યું હતું.
ચિંતન શિબિરમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતો દ્વારા કરવામાં આવતી આત્મહત્યા પાછળ ખેતીની નિષ્ફળતાનું એક માત્ર કારણ જવાબદાર હોતું નથી. તેના માટે બીજા પણ કારણો જવાબદાર છે અને સરકાર ખેડૂતોની આવક વધે તેવા પ્રયત્નો કરી રહી છે.
આ ઉપરાંત તેઓએ ચિંતન શિબિરમાં શિક્ષણની ગુણવત્તા પરના ચર્ચા સત્રમાં એવું સૂચન કર્યું હતું કે, સરકારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૧થી ૮ના વર્ગદીઠ ૨૦ જેટલા વિદ્યાર્થીઓનું પ્રતિષ્ઠિત નાગરિકો સાથે પ્રેઝન્ટેશન કરવું જોઇએ જેથી સમાજને સરકારની ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થા અને સુવિધાની નક્કર પ્રતીતિ થાય.
ખાનગી શાળાની જેમ સરકારી શાળામાં મહત્તમ વિદ્યાર્થીઓ ભણે તેવું વાતાવરણ ઊભું કરવા અને શિક્ષણાધિકારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવા પણ તેમણે જણાવ્યું હતું.