કઠલાલમાં ચારુસેટ વિદ્યાલયને સરકારની મંજૂરી

Thursday 17th September 2020 05:44 EDT
 
 

કઠલાલઃ સો વર્ષથી વધુ જૂના વકીલ કે. એમ. એજયુકેશન સોસાયટી સંકુલમાં ચારુસેટ વિદ્યાલયની સ્થાપના માટે તાજેતરમાં ગુજરાત સરકારની મંજૂરી પ્રાપ્ત થઈ છે. ચારુસેટ વિદ્યાલયને ધોરણ ૧થી ૫ નોન ગ્રાન્ટેડ અંગ્રેજી-ગુજરાતી માધ્યમની મંજૂરી સરકાર તરફથી મળી છે. ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ યુનિવર્સિટી) અને વકીલ કે. એમ. એજયુકેશન સોસાયટી કઠલાલ દ્વારા ચારુસેટ વિદ્યાલયની સ્થાપના કરવા માટે હાથ મિલાવવામાં આવ્યા છે. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણમાં એકબીજાના પ્રયાસો અને સહકાર થકી ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે આ કરાર થયા છે.
વકીલ કે. એમ. એજયુકેશન સોસાયટીના પ્રધાન અને ચારુસેટ વિદ્યાલયના કો ઓર્ડિનેટર નયન પટેલે જણાવ્યું કે, આ મંજૂરી માટે મારા સ્કૂલના-મંડળના સભ્યો-કારોબારી સભ્યો-ટ્રસ્ટીઓ-ગ્રામજનોનો હદયપૂર્વક આભાર માનું છું. આ ઐતિહાસિક સંસ્થાને નવી ઊંચાઈએ લઈ જવામાં અમે સૌ પ્રયત્નશીલ રહીશું. ભવિષ્યમાં ઉચ્ચ એન્જિનિયરિંગ ટેકનિકલ શિક્ષણ માટે બાળકોને ઘરઆંગણે શિક્ષણ મળે તે માટે સતત પ્રયાસો કરાશે.
ઉલ્લેખનીય છે કે NAAC દ્વારા A GRADEથી પ્રમાણિત અને ૧૨૦ એકર હરિયાળા સંકુલમાં આવેલી વિશ્વવિખ્યાત ચારુસેટ યુનિવર્સિટીમાં નવ કોલેજોમાં વિવિધ પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં હાલમાં ૭૫૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રાષ્ટ્રીય સ્તરે ટોચની ૧૫૦ યુનિવર્સિટીઓમાં સ્થાન ધરાવે છે. આ મંજૂરીને આવકારતા શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના મંત્રી ડો. એમ. સી. પટેલે જણાવ્યું હતું કે તમામ વર્ગના બાળકોને ગુણવત્તાલક્ષી શિક્ષણ ઘરઆંગણે જ મળી રહે તે માટે અમારા સતત પ્રયાસો રહેશે. કેળવણી મંડળના ઉપપ્રમુખ સી. એ. પટેલે જણાવ્યું હતું કે ચારુસેટ વિદ્યાલયમાં પણ વૈશ્વિક સ્તરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાની અમારી નેમ છે જે ગૌરવનો વારસો વધુ ઉજ્જવળ બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter