કડાણા ડેમ નજીક મળી વૈશ્વિક અજાયબીઃ એડી કરંટ સાઇટ 65 કરોડ વર્ષ પ્રાચીન હોવાનું અનુમાન

Tuesday 11th March 2025 09:11 EDT
 
 

વડોદરા: મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 200 કે 500 વર્ષ નહીં બલકે કરોડો વર્ષ પહેલાં પાણીમાં આવતા કરંટના કારણે પથ્થરો પર એક વમળ પ્રકારનું માર્કિંગ સર્જાય છે અને તેને જિયોલોજિકલ વિભાગ એડી કરંટ તરીકે ઓળખે છે. કડાણા ડેમ સાઇટ નજીક મળેલી આવી એડી કરંટ સાઇટ ભારતમાં જ નહીં, એશિયામાં પ્રથમ છે.
મહીસાગર જિલ્લાના કડાણા ડેમ નજીક આવેલી એડી કરંટ સાઈટ ભારતની 4 જિયોલોજિકલ અજાયબી પૈકીમાંની એક છે. કડાણા ડેમ સાઈટ ઉપર તે હજુ આજે પણ યથાવત્ હોવાનું હાલ સ્પષ્ટ જોવા મળ્યું છે.
ડાયનાસોર યુગ કરતાં પણ જૂની સાઇટ
વડોદરાના જિયોલોજિસ્ટ તીર્થરાજસિંહ સોલંકીને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે આ સાઈટ કડાણા ડેમની 600 મીટર ડાઉનસ્ટ્રીમ મહીસાગર નદીના ડાબા કાંઠે આવેલી છે. વિશ્વમાં આવા પ્રકારના પથ્થરો અલભ્ય ગણવામાં આવે છે એટલે જ તેને વૈશ્વિક અજાયબીમાં સ્થાન મળ્યું છે. જ્યારે આખા વિશ્વનો નકશો અલગ હતો, ભારતનો ભૂભાગ દક્ષિણ ગોળાર્ધ તરફ હતો અને આફ્રિકા સાથે જોડાયેલો હતો ત્યારે આ પથ્થરોનું સર્જન થયું હોવાનું મનાય છે. અહીં 65 કરોડ વર્ષ પહેલાં જળકૃત પથ્થરો એટલે કે રેતીમાંથી જ્યારે પથ્થરનું સર્જન થયું ત્યારે તેના પર રચાયેલા પાણીના વમળોની ડિઝાઈન હજુ યથાવત્ જોવા મળે છે. ડાયનાસોરની ઉત્પત્તિ 20 કરોડ વર્ષ પહેલાંની માનવામાં આવે છે. જ્યારે કડાણા ડેમ નજીક આવેલી આ સાઈટ તેનાથી પણ 45 કરોડ વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે.
ભારતમાં 4 જિયોલોજિકલ અજાયબીમાં મહારાષ્ટ્ર, તિરુપતિ, રાજસ્થાન પૈકી એક કડાણા ડેમ સાઈટનો સમાવેશ થાય છે. 1967માં તેની શોધ કરાઈ હતી. 2022માં આ જગ્યાનું ફેન્સિંગ કર્યુ હતું. વિશ્વમાં રેર મળી આવતા એડી કરંટના માર્કિંગની સાઈટ પૈકી ભારતમાં પ્રથમ સાઇટ છે જે કડાણા ડેમ ખાતે મળી આવી છે. ભારત સરકાર દ્વારા તેની જાળવણી માટે આગામી દિવસોમાં જિયો ટૂરિઝમ તરીકે કડાણાને વિકસાવવાની યોજના બનાવી છે. જેનાથી કડાણામાં પ્રવાસીઓની સંખ્યા વધશે અને તેના પગલે પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે.
 એડી કરંટ શું છે?
વર્ષો પહેલાં આ જગ્યા પાણીની અંદર હશે એટલે કે સમુદ્ર, નદી કે તળાવ હશે. ત્યાં કોઈ ઝાડપાન હશે અને તે બધું જ પાણીમાં ડૂબી ગયું હશે. દરમિયાન એ પાણીના ધસમસતા પ્રવાહના કારણે કરંટ આવે છે અને તે કરંટથી ઝાડનો કરંટ વહેતો થઈ પહાડ કે પથ્થરો પર એક પ્રકારનું માર્કિંગ બનાવે છે, જે પાણીના વમળ જેવું હોય છે. તેને જિયોલોજિકલ વિભાગ એડી કરંટ તરીકે ઓળખે છે. ભારતમાં કડાણામાં મળી આવેલા આવા પથ્થરો પ્રથમ છે. આનાથી તે વખતના પર્યાવરણનો અભ્યાસ કરવાનું પણ શક્ય બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter