આણંદ:કપડવંજનાં વતની અને અમેરિકાના ઇલિનોઇમાં રહેતાં પ્રીતિબહેન શાહને લોટરીમાં ૪૦ લાખ ડોલરનો જેકપોટ લાગ્યો છે. પ્રીતિબહેનને તેમની દીકરી ભૂમિએ મધર્સ ડે નિમિત્તે ત્રણ લોટરી ટિકિટ ગિફ્ટરૂપે આપી હતી. ગત સપ્તાહે લોટરીના વિજેતા નંબર્સની જાહેરાત થયા બાદ પ્રીતિબહેને જ્યારે ઘરે લોટરીની ટિકિટ સ્ક્રેચ કરી ત્યારે પહેલી બંને ટિકિટમાં કંઇ ઇનામ ન લાગ્યું, પરંતુ ત્રીજી ટિકિટ સ્ક્રેચ કરતાં તેઓ ૪૦ લાખ ડોલરના વિજેતા બન્યાં હતાં. પ્રીતિબહેનને ઇનામની રકમ એક સાથે નહીં મળે. આગામી ૨૦ વર્ષ સુધી તેમને દર વર્ષે બે લાખ ડોલર મળશે. તેમણે કહ્યું હતું કે, આ લોટરીને કારણે મારું ભવિષ્ય ઉજ્જવળ બનશે. ઇનામની રકમ પરિવારજનો સાથે વહેંચીશ અને તેનું રોકાણ પણ કરીશ.
શ્રી ચોવીસ ગામ પટેલ સમાજના હોદ્દેદારોની વરણીઃ શ્રી ચોવીસ ગામ પટેલ સમાજના નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં પ્રમુખ-દીપકભાઈ રાવજીભાઈ પટેલ (બોરીયા), ઉપપ્રમુખ-સુરેશભાઈ ભાઈલાલભાઈ પટેલ (કાવીઠા), મંત્રી-વિઠ્ઠલભાઈ ઈશ્વરભાઈ પટેલ, (સુરકુવા), સહમંત્રી-જશભાઈ મોતીભાઈ પટેલ (બોદલ), ખજાનચી- ઉર્મિલકુમાર રાવજીભાઈ પટેલ(દંતાલી), કન્વીનર-અશ્વિનકુમાર ભૂપેન્દ્રભાઈ પટેલ (અગાસ), સભ્યો-મહેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલ (આંકલાવ), હસમુખભાઈ મગનભાઈ પટેલ (કાવીઠા), વિનોદભાઈ હરમાનભાઈ પટેલ (ઢૂંડાકુવા) અને હિતેશભાઈ મનુભાઈ પટેલ (વહેરા)નો સમાવેશ થાય છે.
વડતાલ મંદિર દ્વારા નેપાળમાં ભૂકંપ રાહત કાર્યઃ વડતાલના શ્રી સ્વામીનારાયણ સંપ્રદાય ગાદી સંસ્થાન દ્વારા નેપાળમાં ભયંકર ભૂકંપથી ત્રસ્ત લોકોની સેવા માટે મોટાપાયે રાહત કાર્ય થઇ રહ્યું છે. આ સંપ્રદાયના ઈષ્દેવ ભગવાન સ્વામિનારાયણ પગલાથી પાવન થયેલ નેપાળની ભૂમિનું સંપ્રદાયમાં અનોખું માહાત્મ્ય છે. પ્રારંભિક ધોરણે વડતાલ સંસ્થા દ્વારા નેપાળ એમ્બેસી સાથે સંપર્ક કરીને જરૂરી રાહત સામગ્રીની માહિતી મેળવીને સુનોલી બોર્ડર અને કાઠમંડુમાં કેમ્પ કાર્યરત કર્યા છે. ધાબળા ઉપરાંત ઘઉં, ચોખા, ઘી, તેલ, લોટ, મસાલા સાથે બનાવેલી અંદાજે પાંચ હજાર તૈયાર કીટ, હજ્જારોની સંખ્યામાં બિસ્કીટ, ગ્લુકોસના તૈયાર પેકેટ અને બે લાખથી વધુ પ્રસાદરૂપ ફૂડપેકેટ, એક લાખ જેટલી મીનરલ પાણીની બોટલનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.
વિદ્યાનગરનાં મહિલા ચિત્રકારને એવોર્ડઃ વિદ્યાનગરસ્થિત ફલો આર્ટ ગેલેરીના માલિક અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા આર્ટીસ્ટ કલ્પનાબેન અમીનને ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આઉટ સ્ટેન્ડિંગ વુમન એન્ટરપ્રિન્યોરથી સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં વડોદરા ખાતે યોજાયેાલ સમારંભમાં ભારત સરકારના રેલવે પ્રધાન સુરેશ પ્રભુના હસ્તે તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ગૌચર સુધારણા અમલીકરણ સમિતિમાં રાજેશ પટેલઃ ગોપાલન માટે અગત્યની જરૂરિયાત એવા ઘાસનું ઉત્પાદન દરેક ગામમાં વધે તે માટે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ સતત પ્રયત્નશીલ છે. તાજેતરમાં મળેલ બોર્ડની બેઠકમાં વિસ્તૃત ચર્ચા અંતે નક્કી થયા મુજબ આ માટે વિશેષ સમિતિનું ગઠન કરી પ્રયત્નો કરવાનું ઠરાવેલ. જેના અનુસંધાનમાં બોર્ડના નેજા હેઠળ રાજ્યસ્તરની ગૌચર સુધારણા સમિતિ બનાવવામાં આવેલ છે. જેના અધ્યક્ષપદે બોર્ડના ઉપાધ્યક્ષ ચૈતન્ય શંભુ મહારાજ તથા સભ્ય સચિવ તરીકે ગૌચર વિકાસમાં સમગ્ર દેશમાં અભિનવ અને સફળ પ્રયત્ન કરનાર ધર્મજના વતની રાજેશ પટેલની પસંદગી થઇ છે.