વડોદરા: ફ્લોરી કલ્ચર કે પુષ્પકૃષિ શબ્દ હમણાં ઘણો પ્રચલિત બન્યો છે. સામાન્ય રીતે મધ્ય ગુજરાતમાં સૂર્યમુખી, હજારીગોટા અને ગુલાબની ખેતી તો થતી જ આવી છે. કરજણ તાલુકામાં કોડિયા સહિતના ગામોમાં દેશી ગુલાબની ખેતી તો વર્ષોથી પ્રચલિત છે, પણ હવે આ વિસ્તારોમાંથી પસાર થાઓ તો કાશ્મીરી ગુલાબની સુવાસ મઘમઘતી મહેસૂસ કરી શકશો. હાલમાં દેરોલી સહિતના ગામોમાં ઘણાં ખેડૂતોએ કાશ્મીરી ગુલાબની ખેતી પર હાથ અજમાવ્યો છે અને આશ્ચર્ય વચ્ચે તેમને સફળતા મળી છે. દેશીની માફક કાશ્મીરી ગુલાબ માટે પણ બાગાયત ખાતાની સબસિડી મળે છે એટલે આ સાહસિક ખેડૂતો આ ખેતી માટે વધુ પ્રોત્સાહિત થયા છે.
માફક વાતાવરણ
પોતાના ખેતરમાં કાશ્મીરી ગુલાબની ખેતીની તૈયારી કરી રહેલા રમેશભાઈ પટેલ કહે છે કે, ગુલાબની ખેતી માટે સરકાર તરફથી સબસિડી અપાઈ રહી છે તે સરાહનીય છે. કારણ કે ગુજરાતમાં કાશ્મીરી ગુલાબની ખેતી સહેલી નથી. કાશ્મીરી ગુલાબને અનુરૂપ વાતાવરણ પૂરું પાડવા સાથે યોગ્ય ખાતર પણ આપવું પડે છે. કાશ્મીરી ગુલાબની બની શકે તો અમે ઓર્ગેનિક ખેતી કરવા ઇચ્છીએ છીએ.
નહીંવત કાંટાળી ડાળીઓ
કાશ્મીરી ગુલાબની એક ખાસિયત કાંટા વગરની ડાળીઓ છે. જોકે તેના થડ અને જાડી શાખાઓ પર થોડાક કાંટા હોય છે, પણ જ્યાં ફૂલો લાગે છે એ પાતળી ડાળીઓ તો તદ્દન કાંટા વગરની હોય છે. આ કાશ્મીરી ખેતીનું સાહસ કરનારા મુકેશભાઈ માછી જણાવે છે કે, કાશ્મીરી ગુલાબમાં નહીંવત કાંટા હોવાથી ફૂલ વીણનારા શ્રમિકોને ઘા કે ઈજા થવાનું જોખમ ઘણું જ ઘટી જાય છે. કાસમપુરા ગામમાં ટપક સિંચાઈથી કામગીરી ગુલાબ ઉછેરવામાં આવ્યા છે.