આણંદઃ કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માગણી સાથે સરદાર પટેલ હિતરક્ષક સમિતિએ ૩૦મી એપ્રિલથી શરૂ કરેલું બિનરાજકીય આંદોલન બીજી મેએ ભાજપની દરમિયાનગીરીથી નાટ્યાત્મક રીતે સમેટી લેવાયું હતું. બીજી મેએ સાંજે હાર્દિક પટેલ ઉપવાસીઓની મુલાકાત લે તે પૂર્વે ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી અને સ્થાનિક ભાજપી સાંસદોએ આંદોલનના આગેવાન જગદીશ પટેલ અને અન્યને પારણાં કરાવી દીધા હતા.
રાજકીય પક્ષો દ્વારા ધરાર અન્યાય થતો હોવાના અક્ષેપ સાથે કરમસદને પોરબંદરની જેમ રાષ્ટ્રીય દરજજાની માગના સમર્થનમાં શરૂ કરાયેલા આંદોલનના ભાગરૂપે પહેલી મેએ કરમસદ બંધના એલાનને જોકે સફળતા સાંપડી હતી. નગરજનોએ સ્વયંભૂ - સજ્જડ બંધ પાળ્યો હતો. પરિસ્થિતિ પામીને બીજી મેએ વાઘાણી બપોરે ૩ વાગે આણંદ દોડી આવ્યા હતા અને ઉપવાસીઓ જગદીશ પટેલ અને મહેન્દ્ર પટેલને મનાવી લીધા હતા. ત્યાર પછી ગણતરીની મિનિટોમાં જ મંડપ છોડી લેવાયો હતો.
જગદીશ પટેલે જણાવ્યું કે, પોરબંદરને રાષ્ટ્રીય વિલેજનો દરજ્જો ન અપાયો હોવાનું મને જણાવાયું છે. વિશેષ દરજ્જાની વિચારણા માટે બનેલી સમિતિમાં કરમસદનો મુદ્દો પણ સામેલ કરવાની મૌખિક ખાતરી આપવામાં આવી હતી.
રાજકીય મુદ્દો ન બને: વાઘાણી
જીતુભાઈ વાઘાણીએ આંદોલન અંગે સ્પષ્ટ જણાવ્યું હતું કે, સરદાર સાહેબ માટે સમગ્ર વિશ્વને માન છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ આદર્શ છે. આંદોલન અંગે રાજ્ય અને કેન્દ્રની સરકાર સમક્ષ પક્ષ દ્વારા હકારાત્મક રજૂઆત કરાશે. આને રાજકારણનો મુદ્દો ના બનાવવો જોઇએ.