વડોદરાઃ પુષ્ટીમાર્ગ પરંપરાના તૃતિય ગૃહ કાંકરોલીના વારસદારો વચ્ચે કરોડોની મિલકત સંદર્ભે વિવાદ પુનઃ વકર્યો છે. કાંકરોલી તૃતિય ગૃહના ગાદીપતિ વ્રજેશકુમારજીએ આઠમીએ પત્રકાર પરિષદ બોલાવીને જણાવ્યું કે, આજે મારા ભાઇઓ પરાગ કુમારજી અને શિશિર કુમારજી તેમના પુત્રો નૈમિષ કુમારજી અને કપિલ કુમારજી સાથે ૪૦થી ૫૦ બાઉન્સર સાથે ધસી આવ્યા હતા અને મંદિરમાં સેવકોને તેમણે બંધક બનાવી દીધા હતા. એકાઉન્ટ ઓફિસના તમામ કમ્પ્યુટર અને સીસી ટીવી ફૂટેજની હાર્ડ ડિસ્ક કબજે લઇ લીધી. એ પછી તે મંદિરનાં નિજ ગૃહમાં પહોચ્યા હતાં જ્યાં દ્વારકાધીશ પ્રભુની હજારો વર્ષ જૂની પ્રતિમાને ઉઠાવીને પોતાની સાથે લઇ જવા તથા તેના સ્થાને ડુપ્લિકેટ પ્રતિમા મૂકવાનો પ્રયાસ કર્યો હતો. જેનો વિરોધ સેવકોએ કર્યો હતો તથા ગ્રામજનો પણ આવી પહોંચ્યા હતા અને હોબાળો થયો હતો. આ દરમિયાન અમારા પ્રતિનિધિએ પોલીસને જાણ કરતાં પોલીસ પણ આવી હતી અને પોલીસે ડુપ્લિકેટ પ્રતિમા જપ્ત કરી લીધી હતી. અમારા વકીલ દ્વારા અમારા ભાઇઓ અને ભત્રીજાઓ સામે કાંકરોલી ખાતે ફરિયાદ નોંધાવામાં આવી છે.