વડોદરાઃ અલ્હાબાદ બેન્કના રૂ. ૪૪૪.૧૨ કરોડ ડૂબાડનાર કેમરોક ઈન્ડસ્ટ્રીઝના પૂર્વ એમ. ડી. કલ્પેશ પટેલને જામીન નહીં આપવા ઈન્વેસ્ટિગેશન ઓફિસરે ૩૦ પેજનું એફિડેવિટ મૂકયું છે. કલ્પેશ પટેલે કેમરોક ઈન્ડ.ની કાગળ ઉપર જ ૮ પેટા કંપનીઓ બતાવી હતી અને કરોડોના બેન્ક ટ્રાન્જેકશનો કર્યાં છે. ઈન્વેસ્ટિગેશન ઓફિસરે અદાલતને જણાવ્યું હતું કે, ૩૧મી ડિસેમ્બર ૨૦૧૧ના રોજ કેમરોક ઈન્ડ.ના એનપીએ જાહેર થઈ હતી, છતાં ૨૦૨, એટલાન્ટીક-૪, રેસકોર્સના રહેવાસી કંપનીના ચેરમેન કમ મેનેજિંગ ડાયરેકટર કલ્પેશ પટેલે લોન રિસ્ટ્રકચર કરાવીને અલ્હાબાદ બેન્કમાંથી જંગી રકમની લોન લીધી હતી. કંપનીના એક્સપાન્શન માટે લીધેલી લોનનો જુદા હેતુ માટે ઉપયોગ કર્યો હતો.
સ્ટર્લિંગ સેઝ કંપની પણ એનપીએ થઈ હોવા છતાં ગુનાઈત કાવતરાના ભાગરૂપે કલ્પેશ પટેલે સ્ટર્લિંગમાં નાણાનું રોકાણ કર્યું હતું. કલ્પેશની કરામત છે કે બે તબક્કામાં મેળવેલા પોલીસ કસ્ટડી રિમાન્ડમાં કેમરોક ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એકસપોર્ટ લી. કંપનીનો સોગંદખાવા પુરતો એક પણ ડોકયુમેન્ટ મળી આવ્યો નથી.