વોશિંગ્ટન, અમદાવાદઃ કશ્યપ ‘કાશ’ પટેલ મૂળ ચરોતરના ભાદરણના વતની છે અને આજે પણ તેઓ ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવે છે. વીતેલા પખવાડિયાની જ વાત છે. સેનેટ સમક્ષ હિયરિંગ માટે ઉપસ્થિત થયેલા કાશ પટેલે પોતાની રજૂઆત શરૂ કરતાં પહેલાં કાશ પટેલે પોતાના માતા-પિતા અંજનાબહેન અને પ્રમોદભાઇ આ પ્રસંગ માટે ખાસ ભારતથી આવ્યા હોવાનું તેમજ બહેન દરિયાપારથી આવી હોવાનું જણાવીને ‘જય શ્રી કૃષ્ણ’ કહ્યું હતું. સાથે જ તેમણે એફબીઆઇના વડા તરીકે નવા સુધારા લાગુ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરીને એફબીઆઈની કામગીરીમાં વધુ પારદર્શિતા લાવવાની ખાતરી આપી હતી.
તેમના દાદા રમેશભાઈ પટેલ આશરે 70થી 75 વર્ષ પહેલાં આફ્રિકાના યુગાન્ડા ખાતે જઈને વસ્યા હતા અને ત્યાં ઈદી અમીનના ત્રાસથી અન્ય એશિયનોની સાથે તેમનો પરિવાર કેનેડા અને ત્યાંથી અમેરિકા જતો રહ્યો હતો.
બોરસદ તાલુકાના ભાદરણ ગામે મહાદેવવાળા ફળિયામાં તેમનું જે પૈતુક મકાન આવેલું હતું, જેને પરિવારે વેચી નાખ્યું છે. હાલ એ સ્થળે ખુલ્લી જમીન છે તેમજ ભાદરણ ગામની સીમમાં તેમના બાપદાદાની વડીલોપાર્જિત જમીનો આવેલી છે, જેમાં આજે પણ કશ્યપ પટેલના પિતા અને દાદાનું નામ બોલે છે.
‘પરિવાર - ખાનદાન માટે ગૌરવની ક્ષણ’
આ નિમણૂકને લઈ ભાદરણ ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની છાતી ગજ ગજ ફૂલી ગઈ છે. આ અંગે ભાદરણ ગામે રહેતા યશભાઈ પટેલે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કશ્યપ પટેલ અમારા કૌટુંબિક ભાઈ થાય છે. મારા દાદા અને તેમના દાદા પિતરાઈ ભાઈઓ હતા. તેમની જમીનો પણ હાલ ભાદરણ ખાતે આવેલી છે. તેમનું જે મકાન હતું એ વેચી દીધેલું છે. અમારા કૌટુંબિક ભાઈની એફબીઆઇના ડિરેક્ટર તરીકે નિમણૂક થતાં અમારા પૂરા પરિવાર અને ખાનદાન માટે આ ખૂબ જ ગૌરવની ક્ષણ છે.
કાશ પટેલના કુટુંબની વંશાવલી છેઃ રાજેશ પટેલ
ભાજપના આણંદ જિલ્લાના પ્રમુખ અને છ ગામ પાટીદાર મંડળ સંગઠનના રાજેશ પટેલ પાસે તેમના કુટુંબના સભ્યોની વંશાવલી છે. તેમા તેમના કુટુંબના 18 પેઢીઓની વિગત છે. અલબત્ત, હજી સુધી તેમાં કાશ પટેલનું નામ ઉમેરાયું નથી. આ રેકોર્ડ મુજબ તેઓ ભાદરણમાં મોટી ખડકી વિસ્તારમાં રહેતા હતા.
2016ની ચૂંટણી વેળા ટ્રમ્પના સંપર્કમાં
2016ની ચૂંટણીમાં રશિયન હસ્તક્ષેપની તપાસ માટે રચાયેલી સમિતિમાં પટેલનો સમાવેશ કરાયો હતો. આ વખતે જ તેઓ પહેલીવાર ટ્રમ્પના ધ્યાનમાં આવ્યા. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પે 2019માં જો બાઇડનના પુત્ર વિશે માહિતી એકત્રિત કરવા માટે યુક્રેન પર દબાણ કર્યું હતું. આ કારણે વિપક્ષ તેમનાથી ગુસ્સે થયો. કાનૂની ગૂંચવણો ટાળવા ટ્રમ્પે આ સલાહકારોની એક ટીમ બનાવી. આમાં કાશ પટેલનું નામ પણ હતું. આ સમયે તેનું નામ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
ટ્રમ્પના પહેલા શાસનકાળમાં છવાયા
2019માં ટ્રમ્પ વહીવટમાં જોડાયા પછી કાશ પટેલ સફળતાની સીડી ચઢતા રહ્યા. તેઓ ટ્રમ્પ વહીવટમાં ફક્ત 1 વર્ષ અને 8 મહિના રહ્યા, પરંતુ બધાના ધ્યાનમાં આવી ગયા. ધ એટલાન્ટિક મેગેઝિનના એક અહેવાલમાં પટેલને એવી વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવી છે, જે ટ્રમ્પ માટે કંઈપણ કરવા તૈયાર હતા. તેમની ગણતરી ટ્રમ્પના સૌથી વફાદાર લોકોમાં થતી હતી. આ જ કારણ છે કે ઘણા અધિકારીઓ તેમનાથી ડરતા હતા.
ટ્રમ્પ પર એક પુસ્તક લખ્યું
કાશ પટેલે નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટરના વરિષ્ઠ સલાહકાર તરીકે સેવા આપી છે. આ સમયગાળા દરમિયાન તેમણે 17 ગુપ્તચર એજન્સીઓનું કામકાજ જોયું. આ પદ સંભાળતી વખતે પટેલ અનેક મહત્ત્વપૂર્ણ બાબતોમાં સામેલ હતા. તેઓ ISIS નેતાઓ, અલ-કાયદાના બગદાદી અને કાસિમ અલ-રિમીના ખાત્મામાં તેમજ અનેક અમેરિકન બંધકોને છોડાવવાના મિશનમાં સામેલ રહ્યા છે. ટ્રમ્પે પદ છોડ્યું ત્યારથી કાશ પટેલે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના એજન્ડાને આગળ વધારવાનો પ્રયાસ ચાલુ રાખ્યો છે. કાશે ‘ગવર્નમેન્ટ ગેંગસ્ટર્સ: ધ ડીપ સ્ટેટ, ધ ટ્રુથ, એન્ડ ધ બેટલ ફોરઅવર ડેમોક્રેસી’ નામનું પુસ્તક લખ્યું છે. આમાં તેમણે જણાવ્યું છે કે સરકારમાં ભ્રષ્ટાચાર કેટલી હદે ફેલાયેલો છે.