વડોદરાઃ શહેરના બરાનપુરાની ભારતી વિદ્યાલયમાં ૨૨મી જૂને બપોરની સ્કૂલ શરૂ થતાં પૂર્વે ધોરણ-૯માં નવું એડમિશન લેનાર દેવ તડવીની શાળાના ધો. ૧૦માં ભણતા વિદ્યાર્થીએ શૌચાલયમાં જ ઘાતકી હત્યા કરી અને ફરાર થઈ ગયો હતો. ૨૨મીએ મોડી રાત્રે ધો. ૧૦ના વિદ્યાર્થીને વલસાડથી તેના જ પરિવારજનો વડોદરા લઈ આવ્યા અને પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો. વિદ્યાર્થીએ સ્કૂલને બદનામ કરવાના અને શાળા બંધ કરાવવાના ઈરાદે આ કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું.
બદલાની ભાવના
વિદ્યાર્થીને તેના કુટુંબે પોલીસને હવાલે કર્યા પછી વિદ્યાર્થીએ પહેલાં તો વાતને ગોળ ગોળ ફેરવતાં જણાવ્યું હતું કે, શાળા શરૂ થઈ એ પછી બે ત્રણ દિવસમાં જ તે હોમવર્ક કરીને ગયો ન હતો. જેથી શાળાનાં શિક્ષકે એને ઠપકો આપ્યો હતો. વિદ્યાર્થીના માતા-પિતાને પણ સ્કૂલમાં બોલાવવામાં આવ્યા હતા અને મામલો બિચકતાં ૧૦૦ નંબર પર કોલ કરતાં પોલીસ પણ આવી હતી.
જોકે પોલીસની સમજાવટ પછી શાળાના પ્રિન્સિપાલ સાથે ચર્ચા કરીને મારા માતા-પિતાએ સમાધાન કરી લીધું હતું.
આ બનાવ પછી શિક્ષકે તેને ઠપકો આપ્યાની વાત મગજમાંથી જતી ન હતી. તેથી સ્કૂલના શિક્ષક સામે બદલો લેવાની યોજના વિચારતો હતો. આ સ્કૂલમાં કોઈ વિદ્યાર્થીનું મર્ડર થઈ જાય તો સ્કૂલ બદનામ થઇ જાય અને સ્કૂલ બંધ કરવાનો પણ વારો આવે તે વિચારથી જ તેણે શાળાના કોઇપણ વિદ્યાર્થીનું મર્ડર કરવાનું વિચાર્યું હતું. તે પ્રમાણે દેવની હત્યા કરી હોવાનું તેણે પોલીસ સમક્ષ જણાવ્યું હતું. પોતાની મનની મુરાદ પૂરી કરવા હત્યારા વિદ્યાર્થીએ નવું જ એડમિશન લીધેલા નિર્દોષ દેવને છરીના ત્રીસેક ઘા ઝીંકીને કોઇ પણ વાંક ગુના વિના રહેંસી નાંખ્યો હતો.
નવું એડમિશન
મૃતક વિદ્યાર્થી દેવ તડવીએ સ્કૂલમાં નવું જ એડમિશન લીધું હતું. ૨૨મી જૂને સ્કૂલમાં તેનો ત્રીજો દિવસ હતો. મૃતક દેવ ભગવાનદાસ તડવી (ઉ.વ. ૧૪)ના માતા-પિતા આણંદ જિલ્લાના બાકરોલ ગામમાં રહે છે. દેવ નાનપણથી વડોદરા શહેરના ગજરાવાડી વિસ્તારમાં ઈદગાહ મેદાન પાસે રામનાથ મહાદેવ મંદિરવાળા ફળિયામાં મામા રોનક ગોપાલભાઈ તડવીનાં ઘરે રહીને ભણતો હતો.