વડોદરા: ભારતીય ટીમના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું ૧૬મી જાન્યુઆરીએ નિધન થયું હતું. હિમાંશુ પંડ્યાએ શનિવારે હાર્ટએટેક આવ્યા બાદ વડોદરામાં અંતિમ શ્વાસ લીધાં હતાં. પિતાના નિધન બાદ કૃણાલ બરોડાની ટીમના બાયો બબલમાંથી બહાર આવી ગયો હતો. કૃણાલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બરોડાની ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. હાર્દિક આ ટુર્નામેન્ટમાં રમતો નહોતો. પોતાના પુત્રોની સફળતાઓમાં હિમાંશુ પંડ્યાનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. હિમાંશુ સુરતમાં કાર ફાઈનાન્સનો નાનો બિઝનેસ ચલાવતા હતા, પરંતુ પોતના બાળકોને ક્રિકેટ બનાવવા માટે વડોદરામાં સ્થાયી થવાનો નિર્ણય કર્યો હતો. તેમણે એક સમયે જણાવ્યું હતું કે, બંને પુત્રોને માત્ર ક્રિકેટ રમવા દેવા નિર્ણય અંગે ઘણા સંબંધીઓએ પ્રશ્નાર્થ પણ કર્યાં હતાં, પરંતુ અમે તેમની ઉપર વિશ્વાસ જાળવી રાખ્યો હતો. કિરણ મોરેના મેનેજર કૃણાલને બેટિંગ કરતા જોયો હતો અને તેને વડોદરા લઈને આવવાની સલાહ આપી હતી.