કેન્યામાં કરનો કાયદો બદલાતા કચ્છની બેંકોમાંથી રૂ. ૭૫૦થી ૧૦૦૦ કરોડના ઉપાડની ભીતિ

Wednesday 30th May 2018 07:34 EDT
 

કેરા (ભૂજ): કચ્છના માધાપર, બળદિયા અને કેરા સહિત લેવા પટેલ ચોવીસીના ગામોના બેંકિંગ સેક્ટરમાં કેન્યા દેશે પોતાના ટેક્સ રેસિડેન્ટ નાગરિકો માટે જાહેર કરેલી કરમાફી યોજનાનાં કારણે અબજોની થાપણો તબદીલ થવાની ભીતિથી ખળભળાટ મચ્યો છે. જોકે હજી કેટલી રકમ તબદીલ થશે તે નિશ્ચિત કહી શકાય એમ નથી. બેંકોમાં પૂછપરછ વધી છે. મુદતની રાહ જોવાઈ રહી છે.
કેન્યાએ પોતાના રાષ્ટ્રના વિકાસ માટે અહીં કમાયેલા નાણાં દેશમાં પરત લાવવા કાયદો પસાર કર્યો છે. તે મુજબ તા. ૩૦-૬-૨૦૧૮ સુધી નાણાં પરત લાવનારને ગમે તેટલી રકમ હોય તો પણ ટેક્સ નહીં ભરવો પડે. એટલું જ નહીં આ રકમ સંબંધી પ્રશ્નો નહીં પૂછાય...! વાસ્તવમાં પોતાના મૂળ નાગરિકો મસમોટી રકમો વિદેશોમાં હોવાનું જાણતાં આ આફ્રિકન રાષ્ટ્રે દૂરંદેશીભર્યો મહત્ત્વાકાંક્ષી નિર્ણય કર્યો છે. જેનો લાભ કચ્છી, ગુજરાતી અને તમામ બિનનિવાસી ભારતીયો કે અન્યોને મળવાનો છે. પરંતુ કેન્યાની નીતિઓ અને રાજકીય અનિર્ણયાકતા સંબંધે શંકા-કુશંકાઓ પ્રવર્તતી હોઈ કચ્છીઓમાં ભારે દ્વિધા હોવાનું પણ મનાઈ રહ્યું છે. અલબત્ત અમુક મોટી પાર્ટીઓ કરોડો રૂપિયા પરત લઈ જઈ ચૂકી છે. જેમાં બળદિયા ગામ મોખરે છે. ૩૦ જૂન ૨૦૧૮ પછી રકમ લઈ જનાર ૧૦ ટકા પેનલ્ટી ભરવાની જોગવાઈ છે.
આ કાયદાની સમજ માટે નાઇરોબી, મોમ્બાસામાં નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન બેઠકો પણ યોજાઈ હોવાનું જાણવા મળ્યું હતું. બળદિયાની એક ખ્યાતનામ પાર્ટી પોતાની ૧૦૦ કરોડની રકમ પરત લઈ ચૂકી છે. ભૂજમાં દેના બેંક, બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક, સેન્ટ્રલ બેંકની એનઆરઆઈ શાખાઓ છે અને અબજોની થાપણ તેમાં જમા છે. માંડવીની બેંકમાં ૩૦૦ કરોડની બિનનિવાસી થાપણો છે.
વિદેશી કર સંબંધી નિષ્ણાતો કહે છે કે મૂળ કાયદો ૧-૧-૨૦૧૭થી અમલમાં આવ્યો હતો. તે મુજબ કેન્યામાં કમાવાયેલાં નાણાંમાંથી વિશ્વના કોઈ પણ દેશમાં ખરીદેલી મિલકત પણ જાહેર કરવાની જોગવાઈ છે. જેમાં વીમા, શેર, બોન્ડ કે સુવર્ણ, ચાંદી સહિત તમામનો સમાવેશ થાય છે. તેમના મત મુજબ કાયદાને યોગ્ય રીતે સમજી નિર્ણય લેવાની જરૂર છે. પત્ની કે સંતાનો જો ભારતીય પાસપોર્ટ ધરાવતા હોય પણ તે જો લાંબા સમયથી કેન્યામાં વસવાટ કરતા હોય તો ગિફ્ટ આપતા પહેલાં સલાહ લેવી જરૂરી છે. પતિ-પત્નીની આવક સંયુક્ત રીતે જાહેર કરવાની રહે છે.
કેન્યા સરકારે જાહેર કરેલા કાયદાની કલમ ૩૭-બીની જોગવાઈમાં ભારત સરકાર સાથે ડબલ ટેક્સેશનની સંધિનો ઉલ્લેખ પણ કરાયો છે. ભારતે વિશ્વના ૧૨૦ દેશો સાથે આવા કરાર કર્યા હોવાનું આ ક્ષેત્રના નિષ્ણાતોએ ઉમેર્યું હતું. સીઆરએસ (કોમન રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ) ફાટકાના કાયદા પણ અસર કરતા હોવાનું મનાય છે.
કાયદામાં કેન્યા સરકારે ઠરાવ્યું છે કે આ રકમ કેન્યામાં રોકાણ કરાય તે ઇચ્છનીય છે પરંતુ માલિક તેને બહાર લઈ જવા ઇચ્છે તો નિયત ટેક્સ ભરી લઈ જઈ શકશે અને તેની આવક કેન્યાના ટેક્સ પાત્ર ગણાશે.
આર્થિક અસર
ગત નાણાકીય વર્ષ મુજબ સમગ્ર કચ્છની બેંક થાપણો રૂ. ૧૪૬ કરોડ હતી તે પૈકી ૩૨ ટકા બિનનિવાસી વર્ગની છે. ચોવીસીની બેંકોમાં ૨૫૬૩ કરોડ જમા છે. તે પૈકી રૂ. ૧૬૪૦ કરોડ કેન્યા દેશમાંથી આવેલા છે. અંદાજ છે કે રૂ. ૭૫૦થી ૧૦૦૦ કરોડ ઢસડાઈ જવાની દહેશત છે. મોટી બેંકો આ કાયમી થાપણોના આધારે મસમોટી લોન ગ્રાહકોને આપતી હોય છે. તેની બેલેન્સશીટ ખોરવાઈ શકે છે. આવી થાપણો પર સ્થાનિક સંબંધીઓ લોન લેતા હોય છે, તેને તાત્કાલિક ભરપાઈ કરવાની નોબત આવી છે. તેથી મુશ્કેલી ઊભી થઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter