કેવડિયા કોલોનીઃ કેવડિયા કોલોની અને ગરૂડેશ્વર વિસ્તારોના છ ગામોમાં સરદાર સરોવર નર્મદા નિગમના નેજા હેઠળ કાંટાળા તારની લોખંડની ફેન્સિંગની કામગીરી સામે સ્થાનિક આદિવાસીઓએ તાજતેરમાં ઉગ્ર વિરોધ અને દેખાવો કર્યાં હતાં. એ પછી સત્તાવાળાઓએ પોલીસને સાથે રાખી મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના દેખાવકારો પર દમન ગુજારી કામગીરી આગળ વધી હોવાની ફરિયાદો ઊઠી છે.
પોલીસ દમનના વિરોધમાં સ્થાનિક નેતાઓથી માંડી વિરોધ પક્ષે પણ રાજ્યપાલને આ મુદ્દે દરમિયાનગીરી કરવા રજૂઆતો કરી છે. નર્મદા નિગમ તેમજ સ્થાનિક સત્તામંડળના વહીવટદાર કચેરીના સરકારી આધિકારીઓએ કોન્ટ્રાક્ટરને સાથે રાખીને ફેન્સિંગની કામગીરી હાથ ધરી હતી.
આની સામે અહીંના છથી વધુ ગામના લોકોએ આ વિસ્તારમાં જમીન સંપાદન અંગેનો વિવાદનો હજુ ઉકેલ ન આવ્યો હોવા છતાં તેમને કોઈ જ જાણ કર્યા વિના અને તે પણ લોકડાઉનની સ્થિતિમાં આ પ્રકારની કામગીરી કરવા સામે ઉગ્ર વિરોધ કર્યો હોવાના અહેવાલ ૨૯મી મેએ હતાં. દેખાવકારોનાં આક્ષેપ મુજબ, સત્તાવાળાઓએ વિરોધ કરી રહેલા પ્રત્યે અમાનવીય વર્તન કર્યું હતું. જેમાં વિરોધ કરી રહેલી મહિલાઓ સામે પણ બળપ્રયોગ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ થઈ છે. આ અંગે રાજ્યપાલને પણ લેખિત રજૂઆતો કરી છે.