વલ્લભવિદ્યાનગરઃ અમેરિકાવાસી કેવલ પટેલ પોતે સરદાર વલ્લભભાઇ પટેલના વારસ હોવાનું જણાવી પાટીદાર અનામત આંદોલનને ટેકો આપ્યો છે. જોકે, હવે કેવલ પટેલ સરદાર પટેલના વંશજ નથી તેવો દાવો થઇ રહ્યો છે. કરમસદમાં રહેતા સરદાર પટેલના પાંચમી પેઢીના વારસદાર અને પ્રપૌત્ર સમીર પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, લોહપુરુષના વારસદાર કેવલ પટેલ છે જ નહીં. સરદાર પટેલના પેઢીગત પરિજનો પાટીદાર અનામત આંદોલનને કોઇપણ પ્રકારનું સમર્થન નહીં હોવાનો ખુલાસો કરી આંદોલન સાથે સરદાર પટેલનું નામ ન જોડવા ખાસ અપીલ કરે છે.
બોરસદમાં કોમી તોફાનોના કેસમાં ૧૪ આરોપી નિર્દોષઃ વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડ બાદ બોરસદ શહેરમાં ફાટી નીકળેલા તોફાનોમાં મંદિર અને ધાર્મિક સ્થળોને નુકસાન પહોડાવાની ઘટનાઓ બની હતી. જેમાં પોલીસે ૧૬ લોકોની અટકાયત કરી હતી. જેમાં પછી બે લોકોનું મૃત્યુ થયું હતું. આ કેસ બાકીના ૧૪ આરોપીઓ પર ચાલી જતાં બોરસદની જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો હતો. પોલીસે આશાભાઈ રાવતની ફરિયાદના આધારે લઘુમતી સમાજના ૧૬ લોકોની અટકાયત કરી હતી. આ ૧૬ આરોપી સામે મંદિર-મકાનની તોડફોડ કરી રૂ. ૯૧, ૫૦૦નું નુકસાન કરવા બદલ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. આ ગુનાના આરોપીઓ પૈકી સલીમભાઈ ઈસ્માઈલભાઈ વ્હોરા અને અલ્લુશા ઈદીશા દિવાનનું મોત થયું હતું.
અમૂલના એમડીપદે સોઢીની વધુ પાંચ વર્ષ માટે નિમણૂકઃ આણંદની વિશ્વવિખ્યાત અમૂલ ડેરીના મેનેજિંગ ડાયરેક્ટરપદે આર. એસ. સોઢીની વધુ પાંચ વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે. ગયા સપ્તાહે યોજાયેલી મિટિંગમાં આ નિર્ણય લેવાયો હતો. સોઢી છેલ્લા ૩૪ વર્ષથી અમૂલ સાથે સંકળાયેલા છે.