વડોદરાઃ પાદરા તાલુકામાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારની સામે ભાજપના ઉમેદવાર દિનેશભાઈ પટેલ ઉર્ફે દિનુમામા હારી ગયા હતા. એ પછી ભાજપના આગેવાને, કોંગ્રેસ દ્વારા જ્ઞાતિવાદ ભડકાવી ચૂંટણીમાં વિજય મેળવી હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપના પૂર્વ ધારાસભ્યએ પાદરા તાલુકા પંચાયત, નગર પાલિકા અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ કર્યું હતું. તાજેતરની બરોડા ડેરીની ચૂંટણીમાં પણ દીનુમામાએ કોંગ્રેસના ઉમેદવારને પરાજય આપી ક્ષત્રિય મતો હાંસલ કર્યા હતા. આ ચૂંટણીમાં કોંગી ધારાસભ્યના નિકટના ક્ષત્રિય આગેવાને મત ખરીદવા ક્ષત્રિય મતદારોને ધમકી આપ્યાની ઓડિયો ક્લિપ પણ વાઈરલ થઈ હતી. હવે બંને આગેવાનો વચ્ચેની આંતરિક લડાઈ જાહેરમાં આવી છે.
ભાજપના પૂ્ર્વ ધારાસભ્યએ કોંગી ધારાસભ્યને ધતૂરાનું ફૂલ (સામાન્ય ભાષામાં બિનઉપયોગી) કહેતાં તેઓ ભડક્યા છે અને એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી કહ્યું હતું કે, દીનુમામા મારા માટે જેમ તેમ બોલવાનું બંધ કરે. જો તેઓ બફાટ ચાલુ રાખશે તો ફાર્મ પર જઈને તેમને ઠોકી દઈશ.