વલ્લભવિદ્યાનગર: ગુજરાતના વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપે કરમસદમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસસ્થાનેથી ‘ગુજરાત ગૌરવ યાત્રા’ને પ્રસ્થાન કરાવ્યું છે. આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દેશને એક કરવાના આહ્વાન સાથે કરમસદમાં કહ્યું કે, કોંગ્રેસની ત્રણ પેઢીએ ગુજરાતને અન્યાય કર્યો છે. રાહુલ તેનો તો હિસાબ આપે. નહેરુ પરિવારે સરદાર પટેલ સાથે અન્યાય કર્યો. તેઓને વડા પ્રધાનપદ અને ભારતરત્ન સન્માનથી દૂર રખાયા ને ગુજરાતને અન્યાય થયો. મોરારજીભાઈ દેસાઈને કોંગ્રેસે અન્યાય કર્યો. ૧૦ વર્ષમાં યુપીએ સરકારે નરેન્દ્ર મોદીને પણ અન્યાય કર્યો તેનો જવાબ આપે. આ સંદર્ભે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે, અમિત શાહ ગુજરાતના મુખ્ય પ્રધાન બનવા ફાંફાં મારી રહ્યા છે.