આણંદ: જિલ્લાના સોજિત્રા તાલુકાના નાનકડા મલાતજ ગામમાં લોકો સ્વયંભૂ લોકડાઉન રાખ્યું છે. મળતી વિગતો મુજબ કોરોનાના શંકાસ્પદ દર્દીઓની વધતી સંખ્યાને લઈ ગામલોકોએ લોકડાઉનનો સ્વૈચ્છિક નિર્ણય લીધો હતો.
ગ્રામ પંચાયત દ્વારા આ નિર્ણય લેવામાં આવતા જ લોકોએ પહેલી એપ્રિલથી જ મુખ્ય બજાર સંપૂર્ણ બંધ કરી લોકડાઉન પાળ્યું હતું. ઘણા દર્દીઓને હોસ્પિટલમાં એડમીટ કરાયા હતા જેના પગલે અન્ય લોકોમાં ભયનું મોજું ફેલાઈ ગયું હતું. કોરોના સંક્રમણ વધે નહીં એવી અગમચેતી રૂપે સૌ ગ્રામજનોએ મળી સ્વૈચ્છિક લોકડાઉનની પહેલ કરી અમલવારી પણ કરી હતી. અને ગામલોકો સોશ્યલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આણંદ જિલ્લાના કેટલાક ગામો જેવા કે વિરસદ, સિમરડા, રૂપયાપુરમાં સ્વૈચ્છિક લોકડાઉન અમલી કરવામાં આવ્યું હતું.
ચાંગામાં ૧૧ દિવસ સ્વયંભૂ લોકડાઉન
આણંદ જિલ્લાના વધુ એક ગામમાં ગ્રામજનોએ ૧૧ દિવસનું સ્વંયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. પેટલાદ તાલુકાના ચાંગા ગામના લોકોએ ૧૧ દિવસ ગામમાં સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લીધો છે. ગામમાં કોરોના ફેલાય નહીં તેની તકેદારીરૂપે ગ્રામજનો સાથે વિચાર-વિમર્શ કરીને સરપંચ મહેન્દ્ર બારૈયાએ લોકડાઉનનો નિર્ણય કર્યો હતો. જેના પગલે લોકો સવારના ૯થી ૧૦ અને સાંજના ૫થી ૮ દરમિયાન જ જરૂરતનો સામાન લેવા બહાર નીકળશે.