વડોદરા: સાવલીનાં મોકસી ગામે નેક્ટર કેમ કંપનીમાં કોરોનાની દવાની આડમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાનું ખૂલ્યું છે. કંપનીના બે ભાગીદારને ઝડપી લેવાયા છે. મોકસી ગામે આવેલી નેક્ટર કેમ કંપનીમાંથી ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજી ટીમે રૂ. 1125 કરોડનું 225 કિલો એમડી ડ્રગ્સ ઝડપી લીધું હતું. આ ડ્રગ્સ અંગે કંપનીના ભાગીદાર પીયૂષ પટેલને વડોદરાથી અને મહેશ વૈષ્ણવને સુરતથી ઝડપી લેવાયા હતા.
પોલીસની પૂછપરછમાં ખૂલ્યું છે કે છેલ્લાં એક વર્ષથી કંપનીમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન થતું હતું. કોરોનાની દવાની આડમાં એમડી ડ્રગ્સ બનતું હતું. આસપાસના ગામના યુવાનો કંપનીમાં નોકરી માટે પૂછપરછ કરવા જાય તો કંપનીમાં જોખમી કામ હોવાનું જણાવીને વાતને ટાળી દેવામાં આવતી હતી. ગામના લોકોને કંપનીમાં ડ્રગ્સ બનતું હોવાની જાણ પણ ન હતી. કંપનીમાં બનતું એમડી ડ્રગ્સ મુંબઈ અને ગોવા સપ્લાય કરાતું હતું.
નેટવર્ક અને ફંડિંગની તપાસ
પોલીસે એમડી ડ્રગ્સ બનાવવાનો માલ કયાંથી અને કેવી રીતે મગાવવામાં આવતો હતો? ડ્રગ્સનો જથ્થો મુંબઈ અને ગોવા કેવી રીતે પહોંચતો હતો? ડ્રગ્સ હેરફેરના નેટવર્ક સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલ છે? તેના સહિતની વિગતો મેળવવા ભાગીદાર પીયૂષ પટેલ અને મહેશ વૈષ્ણવની સઘન પૂછપરછ શરૂ કરી છે. બંનેને કોર્ટમાં રજૂ કરી નવ દિવસના રિમાન્ડ પણ મેળવાયા છે. આ કંપનીના ફંડિંગ અંગે એટીએસ દ્વારા તપાસ કરાશે.
બીજી તરફ, ભરુચના અંકલેશ્વરનાં પાનોલીમાં આવેલી કંપનીમાંથી રૂ. 2409 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. ભરુચ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે કંપનીમાંથી 1383 કરોડનો ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. અંકલેશ્વરમાં રહેતા માલિક ચિંતન પાનસેરિયાને ઝડપી લેવાયો છે. ચિંતન બીકોમ ભણેલો છે તેણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. ભાગીદાર તરીકે જયંત તિવારી હતો. ડ્રગ્સ બનાવવાનું કામ જયંતનો મામા દિક્ષિત કરતો હતો. બે વર્ષ પહેલાં કંપનીને કોરોના સમયે યુરોપની કંપનીનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. માપદંડ પ્રમાણે કામ નહીં થતાં કોન્ટ્રાક્ટ રદ્દ થયો હતો. પછી આરોપી ડ્રગ્સ બનાવતા હતા.
રાજ્યના ઈતિહાસમાં હોમમેઈડ ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો સાવલી અને અંકલેશ્વરમાંથી ઝડપાયો છે ત્યારે દરિયાઈ માર્ગે ડ્રગ્સની થતી હેરાફેરી પર નજર રાખી રહેલી એજન્સી અંધારામાં કેમ રહી તે સવાલ છે.