વડોદરાઃ બેંકોની સાથે રૂ. ૫૩૮૩ કરોડની ઠગાઇના આરોપીઓ અને વડોદરાની સ્ટર્લિંગ જૂથની કંપનીના ચેરમેન નીતિન સાંડેસરા અને મેનેજિંગ ડિરેક્ટર ચેતન સાંડેસરા પરિવાર સહિત આફ્રિકાના નાઈજિરિયામાં છુપાયા હોવાની ખબર મળી છે. નાઈજિરિયામાં સાંડેસરાની ઓઇલ કંપની ચાલે છે. સાંડેસરા બંધુઓ સામે ઓગસ્ટ, ૨૦૧૮માં સીબીઆઇએ કેસ નોંધ્યો તે વખતે જ ભારત છોડીને ફરાર થઇ ગયા હોવાનું બહાર આવ્યું છે. અગાઉ એવી માહિતી મળી હતી કે, નીતિન સાંડેસરાની દુબઇમાં અટકાયત કરાઈ છે. જોકે હવે તે સંયુક્ત આરબ અમીરાતમાં નહીં, પણ નાઈજિરિયા ભાગી ગયા છે. સીબીઆઇએ જણાવ્યા મુજબ નીતિન સાંડેસરા, તેના ભાઇ ચેતન સાંડેસરા અને ભાભી દીપ્તિ સહિત પરિવારના અન્ય સભ્યો પણ આફ્રિકામાં છુપાયા છે. ભારત અને નાઈજિરિયા વચ્ચે પ્રત્યર્પણ સંધિ કે મ્યુચ્યુઅલ લિગલ આસિસ્ટન્ટ સંધિ નથી તેથી તેને આફ્રિકન દેશમાંથી ભારત લાવવા મુશ્કેલ બનશે.