વડોદરાઃ ક્રિકેટ ટૂર્નામેન્ટ ગુજરાતના કોઇ ગામમાં રમાતી હોય કે ‘ક્રિકેટનું મક્કા’ ગણાતા લોર્ડસ ગ્રાઉન્ડમાં રમાતી હોય મેન ઓફ ધ સિરીઝ ખેલાડીને ટ્રોફી અને તેની સાથે રોકડ પુરસ્કાર આપીને બહુમાન થતું હોય છે. જોકે તાજેતરમાં સંસ્કૃતિ નગરી વડોદરામાં યોજાયેલી વીપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ ખેલાડીનું ગાય અને વાછરડું ભેટ આપીને બહુમાન કરાયું હતું. લોકોમાં ગૌવંશના જતન માટે જાગૃતિ વધે તે માટે આ અનોખો નિર્ણય લેવાયો હતો.
વડોદરા શહેરના લાલબાગ એસઆરપી ગ્રાઉન્ડમાં પહેલી મેના રોજ વડવાળા પ્રિમિયર લીગ નાઇટ ટૂર્નામેન્ટ યોજાઇ હતી, જેમાં ખેલાડીને આ ઇનામ અપાયું હતું. તેમજ ગૌ-માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માગ પણ કરાઇ હતી. ટૂર્નામેન્ટમાં કુલ ૧૬ ટીમોએ ભાગ લીધો હતો. રાત્રે ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં જંબુસર અને ગાજરાવાડીની ટીમો વચ્ચે મુકાબલો થયો હતો.