સુરતઃ ક્રિપ્ટો કરન્સીમાં સુરતીઓના રૂ. ૨૦ હજાર કરોડ ડૂબ્યા હોવાના અહેવાલ ફરતાં થયાં હોવાનું નવું નથી. આ સમાચારો વચ્ચે જુદાં જુદાં કોઈનમાં નાણા ગુમાવી દેનારાઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જ જઈ રહી છે. સીઆઇડી ક્રાઇમે એક્સીઓ કોઈનના કૌભાંડમાં આરોપી જીમ્મી કોટડિયાની તાજતરમાં ધરપકડ કરીને તેને તાજેતરમાં કોર્ટમાં પણ રજૂ કર્યો હતો જ્યાં આરોપીને ૩૦મી સપ્ટેમ્બર સુધીના છ દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો હતો. કોર્ટમાં થયેલી દલીલો દરમિયાન એવો ધડાકો થયો હતો કે આરોપીએ ગોલ્ડ સટ્ટામાં રૂ. ૧૭ કરોડ ગુમાવ્યા બાદ કોઈન લોન્ચ કરવાનું નક્કી કર્યું હતું અને શ્રીલંકામાં કોઈન લોન્ચ કરવા માટે રૂ. ૩ કરોડનો ખર્ચો કર્યા બાદ માત્ર બે જ વર્ષના ગાળામાં ૫૦૦ રોકાણકારોના આશરે રૂ. ૮ કરોડ જેટલા ડુબાડ્યા હતા. બજારના આધારભૂત સૂત્રો કહે છે કે આ કોઈનમાં રૂ. ૮૦થી ૧૦૦ કરોડ ડૂબ્યા છે. જોકે, આઇટીના ડરે ફરિયાદીઓ આગળ આવતા નથી.