કરમસદઃ ધર્મજ, ભાદરણ, કરમસદ અને ચરોતરના વતની એવા વિદેશવાસી ૪૦ લોકોના એક જૂથે ૧૭ જાન્યુઆરીએ અહીંની ક્રિષ્ના હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ જૂથના અગ્રણીઓમાં (ધસોલ)ના સુરેન્દ્રભાઇ પટેલ, મનહરભાઇ પટેલ, પ્રવીણાબેન પટેલ, કમલેશભાઇ પટેલ, કાંતિભાઇ પટેલ અને વિરેન્દ્રભાઇ પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ન્યૂ યોર્કથી વિષ્ણુભાઇ પટેલ અને વેસ્ટ સ્પ્રિંગફિલ્ડ-મેસેચ્યુએટ્સના દિનેશભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલનું સંચાલન કરતા ચારુતર આરોગ્ય મંડળનાં અધ્યક્ષા ડો. અમૃતા પટેલે અને માનદ્ મંત્રી જાગૃતભાઇ ભટ્ટે આ ગ્રૂપના લોકોને માહિતગાર કર્યા હતા. ડો. અમૃતા પટેલે મંડળ અને સંસ્થાઓ વિષે માહિતી આપી હતી. આ સંસ્થાની દેશમાં એક શ્રેષ્ઠ આરોગ્ય અને શૈક્ષણિક સંકુલ તરીકે ગણના થાય છે. ડો. પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મંડળનાં સંચાલનમાં ખાસ કરીને ચરોતરના લોકો અને સમાજનો મહત્ત્વનો ફાળો છે. જાગૃતભાઇએ જણાવ્યું હતું કે, મંડળનું ૯૫ ટકાથી વધુ ભંડોળ સ્થાનિક કક્ષાનું છે. મંડળને વિશ્વાસ છે કે સમાજના વિદેશમાં વસતા લોકો દ્વારા પણ બહોળો સહયોગ મળશે.
સુરેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે, નવનિર્મિત પ્રીવિલેજ સેન્ટરમાં કેટલાક ગોલ્ડ રૂમ માટે રૂમ દીઠ ૧૦ હજાર પાઉન્ડની જરૂર છે. અને અહીં ઉપસ્થિત તમામને વિનંતી છે કે, તમારી સાથે અન્ય મિત્રો-સંબંધીઓને પણ દાન આપવા ઉત્સાહિત કરો.
મનહરભાઇએ ઉપસ્થિત તમામ લોકોને યુકેમાં તેમના પરિચિત લોકોના નામ-સરનામા આપવા જણાવ્યું હતું, જેથી એક ડિરેક્ટરી બનાવી શકાય અને તેમને મંડળ નિયમિત રીતે સંસ્થાની વિવિધ માહિતી અને જરૂરીયાતથી અવગત કરાવી શકે. આ નિમિત્તે વિરેન્દ્રભાઇ પટેલે વધારાનો ૧૫ હજાર પાઉન્ડનો ફાળો આપવાની જાહેરાત કરી હતી.
આ જૂથે મીટિંગ પછી હોસ્પિટલમાં ઉપલ્બધ સેવાઓ જેમ કે, કાર્ડિયાક, કેન્સર વિભાગ અને નવા પ્રીવિલેજ સેન્ટરની મુલાકાત પણ લીધી હતી. આ જૂથે હોસ્પિટલ સંકુલમાં સ્વચ્છતા અને સુવિધા જોઇને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. પ્રીવિલેજ સેન્ટરમાં બહારના દર્દીઓ માટે પ્રીવિલેજ ડે કેરની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં પ્રીવેન્ટિવ હેલ્થ ચેક-અપ પ્રોગ્રામ ચાલે છે. ત્યાં દર્દી અને તેમના સંબંધીઓને રહેવા માટે તમામ સુવિધા સાથે ગોલ્ડ રૂમ્સ ઉપલબ્ધ છે. વધુમાં તાજેતરમાં જ પ્લેટિનમ અને ડાયમંડ સૂટ પણ શરૂ કરવામાં આવ્યા છે. ખૂબ જ ટૂંકા સમયગાળામાં તેને સમાજ તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો છે.