ગાંધીનગર: ગુજરાત અશાંત વિસ્તાર અધિનિયમ - ૧૯૯૧માં વર્ષ ૨૦૧૯માં મોટા પાયે સુધારા કર્યા બાદ રાજ્યના ગૃહ વિભાગે ચાલુ વર્ષે સુરત, ખંભાત પછી હવે વડોદરા શહેરના ત્રણ પોલીસ મથક વિસ્તારને આ કાયદા હેઠળ મૂકવાનો નિર્ણય કર્યો છે. ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ૨૨મી ઓગસ્ટે વડોદરા શહેરમાં અશાંત ધારા હેઠળનો વિસ્તાર વધારાયાની જાહેરાત કરી હતી.
અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ, ગોધરા, હિંમતનગર, કપડવંજ જેવા કોમી તંગદિલીનો ઈતિહાસ ધરાવતા શહેરોમાં પહેલેથી જ અશાંત ધારો અમલમાં છે. કાયદા હેઠળના વિસ્તારોમાં એક બીજાથી વિપરીત ધર્મ ધરાવતા પક્ષકારો વચ્ચે મિલકત ખરીદ - વેચાણ પ્રતિબંધિત છે. ગત વર્ષે જુલાઈમાં આ કાયદાના ભંગના કિસ્સામાં જેલ અને દંડની સજાની જોગવાઈ કર્યા બાદ ૨૦૨૦ના આરંભે ખંભાત અને સુરતના કેટલાક વિસ્તારોને અશાંત ધારા હેઠળ આવરી લેવાયા હતા.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી નજીક છે ત્યારે વડોદરા શહેરના બાપોદ, વારસીયા અને કારેલી બાગ પોલીસ સ્ટેશન વિસ્તારને અશાંત ધારા વિસ્તારોમાં સમાવાયા ઉપરાંત હરણીબાગ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં અશાંત ધારો અમલમાં મૂકવામાં આવ્યો છે. ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, આ નિર્ણયથી ઉપરોક્ત વિસ્તારોમાં અસામાજિક તત્ત્વો દ્વારા ધાકધમકીથી મિકલતો પડાવવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે.