આણંદ/ખંભાત: ઉનાળામાં ઠેર ઠેર પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે, ખાસ કરીને ગામડાંમાં બે ઘડાં પીવાના પાણી માટે મહિલાઓને બે કિલોમીટરની રઝળપાટ કરવી પડે છે. સ્થિતિ દરિયા કિનારે આવેલા ખંભાતના રંગપુર અને કાળીતલાવડીનાં પણ હતાં, પરંતુ ગ્રામજનોની શુદ્ધ પાણી મેળવવાની જીતના કારણે એક અનોખી વ્યવસ્થા ઊભી થઈ છે. અહીં ગ્રામજનોએ આરઓ ફિટ કર્યા પછી શુદ્ધ પાણીનો બગાડ રોકવા અને ગ્રામજનોને નિયમિત પાણી મળી રહે તે માટે એટીએમ બન્યું છે.
આ અંગે રંગપુરના સરપંચ પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારા ગામની આસપાસના ૩૦થી ૪૦ કિલોમીટર વિસ્તારમાં ખારાશ હોવાથી પાણી ખારું આવે છે. બોરકૂવામાં ૧૫૦૦થી ૨૪૦૦ ટીડીએસની માત્રાવાળું પાણી આવે છે. જેને કારણે ગામમાં કિડની, જઠર ઉપરાંત ચામડીના રોગનું પ્રમાણ વધ્યું હતું. આથી, શુદ્ધ પાણીની જરૂરિયાત ઊભી થતાં આરઓ પ્લાન્ટ મુકાવ્યા. એ પછી એટીએમ દ્વારા જરૂરિયાત મુજબ પાણી લોકો સુધી પહોંચે તે માટે વ્યવસ્થા કરાઈ. આયોજનથી કાળઝાળ ગરમીમાં પણ ગ્રામજનો શુદ્ધ પાણી કોઇ મુશ્કેલી વિના ઉપયોગ કરી રહ્યાં છે. જેને કારણે પાણીજન્ય બીમારીનું પણ પ્રમાણ ૮૦ ટકા ઘટી ગયું છે.
અન્ય ગામના આગેવાનો પણ મુલાકાતે આવે છે
કાળીતલાવડીના સરપંચ રમેશભાઈ પટેલ કહે છે કે, એટીએમથી શુદ્ધ પાણી આપવાનો પ્રયોગ સફળ રહ્યો છે. નાના બાળકો પણ સરળતાથી પદ્ધતિનો ઉપયોગ કરી પાણી ભરી શકે છે. સુવિધાથી દુષિત પાણીના કડવા ઘૂંટ પીવા પડતાં નથી અને વારંવાર ફેલાતી પાણી જન્ય બિમારી પણ બંધ થઇ ગઇ છે. રાજ્યના અનેક ગામમાં પીવાના પાણીની સમસ્યા છે, ત્યારે પ્રયોગનો અભ્યાસ કરવા અન્ય ગામના સરપંચ તથા આગેવાનો પણ મુલાકાત લઇ રહ્યાં છે.
ગામના વ્યક્તિને રોજગારી પણ મળી
એટીએમ રિચાર્જ માટે પ્રથમ કંપનીનો માણસો દર બુધવારે ગામમાં આવતો હતો, પરંતુ બાદમાં ગામના એક વ્યક્તિને તાલીમ આપી તેના દ્વારા ગ્રામજનોના એટીએમ રિચાર્જ કરવાની સુવિધા ઉભી કરાઈ હતી. કંપની દ્વારા છએક વરસ સુધી આરઓ પ્લાન્ટના રિપેરીંગ સહિતની જવાબદારી સંભાળવામાં આવે છે. બાદમાં સંપૂર્ણ પ્રોજેક્ટ ગ્રામજનોને સોંપી દેવાય છે.
ઇચ્છીએ ત્યારે શુદ્ધ પાણી મેળવી શકીએ
રંગપુરના ગ્રામજનોને શુદ્ધ પાણી મેળવવા પાણી પુરવઠા યોજના પર આધાર રાખવો પડતો હતો. પરંતુ અનિયમિતતાના કારણે પરિસ્થિત વિકટ બનતી હતી. આથી, ગામનો સ્વતંત્ર બોર બનાવી આરઓ સાથે જોડી દેવાયો છે. જેને પગલે અમારા ગામમાં ૨૪ કલાક પીવાનું શુદ્ધ પાણી મળી રહે છે.
રૂ. ૧૫-૨૦માં પાણીના કેન મંગાવવા પડતાં હતાં
રંગપુર અને કાળીતલાવડીનાં ગામમાં ૨૪૦૦ જેટલાં ટીડીએસવાળું પાણી પીવું અશક્ય હતું. આથી, ગ્રામજનોને છેક નગરાથી ૧૫-૨૦ રૂપિયામાં પાણીના જગ મંગાવવા પડતાં હતાં. દરમિયાન આંધ્રપ્રદેશમાં સફળ પ્રયોગ બાદ ગુજરાતમાં આવેલી ઇપીજીએલ કંપનીએ આણંદના 'વાસ્મો'નો સંપર્ક કર્યો હતો. કંપનીએ અગાઉ એટીએમ દ્વારા શુદ્ધ પાણી આપવાનો પ્રયોગ કર્યો હતો અને આવો પ્લાન્ટ નાંખવાની તૈયારી દર્શાવી હતી. જેથી પ્રથમ રંગપુર અને કાળી તળાવડીમાં પ્રયોગ કરવાનું નક્કી કરાયું હતું. નહીં નફો અને નુકશાનના ધોરણે શરૂ થયેલા પ્લાન્ટથી લોકોને શુદ્ધ પાણી મળ્યું હતું.
૨૫ પૈસે લિટર પાણી
અહીં પ્રિ-પેઇડ કાર્ની સિસ્ટમથી જેવી રીતે એટીએમ મશીનમાં કાર્ડની મદદથી પૈસા લેવાય છે. તેવી રીતે અહીં પાણી ભરાય છે. કાર્ડ મશીન સામે ધરતાં ૦.૨૫ પૈસામાં એક લીટર શુદ્ધ પાણી મળે તેવી વ્યવસ્થા ઊભી કરી છે. આયોજનથી બન્ને ગામના અંદાજે ૧૧,૦૦૦ ગ્રામજનોને પીવાના પાણીની શોધ માટેની રઝળપાટ બંધ થઈ ગઈ છે.