ડભોઈ: તાલુકાના ફરતીકૂઈ નજીક દર્શન હોટલ પાસે ૧૫મીએ ખાળકૂવો સાફ કરવા આવેલા ચાર કામદારો સહિત સાતના ગૂંગળામણમાં મોત થયા હતા. જોકે સ્થાનિક સુરક્ષાતંત્રની કામગીરી બાદ વડોદરા તંત્રને મોડી જાણ કરાતા ત્રણ કલાક બાદ બચાવ કામગીરી હાથ ધરાઈ હતી.
આ ઘટના બાદ હોટલનો સંચાલક હસન અબ્બાસ ઇસ્માઇલભાઈ ભોરણીયા ફરાર થઈ ગયો હતો. હોટલ સંચાલક દ્વારા ખાળકૂવાની સફાઈ માટે નગરપાલિકા પાસે અદ્યતન ટેંકની માગણી કરાઈ હતી. જેનું ભાડું પાલિકાએ રૂ. ૨૨૦૦૦ જણાવતા સંચાલકે દેશી પદ્ધતિ અપનાવી છૂટક રૂ. ૭૦૦ની મંજૂરીએ ચાર મજૂરો બોલાવ્યા હતાં. હોટલની બાજુમાં આવેલા ખાળકૂવામાં એકત્ર થયેલા મળ તથા કચરાને કાઢવા થુવાવી ગામના ૪ મજૂરો ખાળકૂવામાં ઉતર્યા ને ગુંગળાતાં હોટલનાં ૩ કામદારો એમ એક પછી એક ૭ જણા ખાળકૂવામાં સફાઈ કરવાની કામગીરી માટે જીવ ખોઈ બેઠાં હતાં.