ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા

Monday 28th September 2015 12:38 EDT
 

ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી ગત સપ્તાહે જિલ્લા કલેક્ટર કે. કે. નિરાલાના અધ્યક્ષપદે યોજાઈ હતી. જેમાં પ્રમુખપદે જયંતિભાઈ સોઢા અને ઉપપ્રમુખપદે કનુભાઈ ડાભી વિજેતા થયા હતા. જ્યારે કોંગ્રેસના બંને ઉમેદવારોનો પરાજ્ય થયો હતો. ૧૬ વિરુદ્ધ ૧૮ મતોથી ભાજપના દાવેદારો વિજેતા થયા હતા. 

આણંદ શહેર-તાલુકાની ચૂંટણી લડવા ભાજપના ૩૧૦ દાવેદારોઃ થોડા સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને આણંદ જિલ્લા ભાજપ દ્વારા હાથ ધરાયેલ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં દાવેદારો ઉમટી પડ્યા હતા. આણંદ નગરપાલિકા માટે ૨૦૫, તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતની નવ બેઠકો માટે ૨૭ અને તાલુકા પંચાયતની ૩૪ બેઠકો માટે ૭૮ દાવેદારોએ પોતાનો દાવો રજૂ કર્યો હતો.

નડિયાદના ગામોમાંરૂ. ૬૪૨ લાખના કામોનું ખાતમૂહુર્તઃ નડિયાદ પંથકના ટુંડેલ, ડુમરાલ અને આખડોલ ગામ સહિતના પરા વિસ્તારમાં લોકોને રસ્તાઓની સુવિધા આપવા સ્થાનિક ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ માર્ગ-મકાન વિભાગના પ્રધાન નીતિનભાઈ પટેલને કરેલી રજૂઆતોના પગલે રૂ. ૬૪૨.૧૫ લાખના વિકાસકામો મંજૂર થયા હતા. આ વિકાસકામોનું તાજેતરમાં પંકજ દેસાઈના હસ્તે ખાતમૂહુર્ત કરાયું હતું. જેમાં ટુંડેલ પ્રાથમિક શાળાથી નેશનલ હાઈવે નં. ૮ને જોડતાં રસ્તાના ડામરકામ સહિત રીમેટલીંગ કરીને ડામરકામ અંગેના રૂ. ૨૦૮.૭૧ લાખ વખતપુરા (ટુંડેલ)થી નેશનલ હાઈવે નં. ૮ને જોડતાં રસ્તાના રીસરફેસીંગનું કામ કરવા માટે રૂ. ૧૧૭.૩૨ લાખ ફાળવાયા છે. આ ઉપરાંત ડુમરાલથી પરા વિસ્તારને જોડતા કાચા રસ્તા પર ડામરકામ કરવા માટે રૂ. ૮૨.૧૨ લાખ મંજૂર થયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter