નડિઆદઃ ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકામાં નવા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં મહેમદાવાદ, મહુધા અને ચકલાસીમાં ભાજપના ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાયા હતા. જ્યારે ખેડા અને ડાકોરમાં ભાજપના બળવાખોરોને કારણે અપક્ષ સભ્યોને સત્તા મળી હતી. ડાકોરમાં ભાજપના સભ્યએ મેન્ડેટ ફગાવીને અપક્ષને ટેકો આપતા આશ્ચર્ય સર્જાયું હતું. ખેડામાં ભાજપના ઉમેદવારની હાર થઇ હતી. ડાકોરમાં પ્રમુખપદે વનિતાબેન વિપુલભાઇ શાહ અને ઉપપ્રમુખપદે વિવેકભાઇ નલીનભાઇ પટેલ બિનહરીફ ચૂંટાયા હતા. ખેડામાં ગોવિંદભાઇ મકવાણા અને કૈયુમભાઇ વહોરા, મહુધામાં ભાજપના વિધિબેન મેહુલભાઇ પટેલ અને ઉપપ્રમુખપદે અપક્ષ સાબીરહુસૈન મલેક બિનહરીફ ચૂંટાયા હતા. ચકલાસીમાં ભાજપના સુમિત્રાબેન વાઘેલા અને કૌશિકભાઇ બારૈયા ચૂંટાયા હતા. મહેમદાવાદમાં ઇચ્છાબેન વાઘેલા અને સંજયભાઇ હર્ષદભાઇ જાની અનુક્રમે પ્રમુખ અને ઉપપ્રમુખપદે ચૂંટાયા હતા.
ઉમરેઠના હાસ્ય કલાકારને ઈન્ડિયા બુકમાં સ્થાન મળ્યુંઃ ઉમરેઠના જાણીતા ટીવી હાસ્ય કલાકાર અરવિંદભાઈને મેડિકલ કોટનમાંથી કમળની અંદર શિવજીની પ્રતિમાનું નિર્માણ કરવા બદલ આ વર્ષે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડનો એવોર્ડ મેળવ્યો છે. અરવિંદભાઈને વર્ષ ૨૦૧૧માં ૧૨૦૦ સિનિયર સિટીઝ ક્લબમાં વિનામૂલ્યે હાસ્યના પ્રોગ્રામ આપવા બદલ લિમ્કા બુક ઓફ રેકોર્ડનો એવોર્ડ મળ્યો હતો. તેમણે ઈટીવી, ઝીટીવી અને દૂરદર્શનમાં હાસ્યના પ્રોગ્રામ આપ્યા છે. અરવિંદભાઈ હાસ્યનો ફૂવારો, પાનખરમાં વસંત માનો, સિનિયર સિટીઝનો માટે વસિયતનામું અને આત્માની અનંતયાત્રા પુસ્તિકાના લેખક છે અને તેમણે આ પુસ્તિકાઓનું વિનામૂલ્યે વિતરણ કર્યું છે.