ચારુતર વિદ્યામંડળ (સીવીએમ)ના અધ્યક્ષ ડો. સી. એલ. પટેલની અધ્યક્ષતામાં સરદાર પટેલ સંશોધન સંસ્થા-સેરલિપના છઠ્ઠા વાર્ષિકોત્સવ સમારંભમાં ‘મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને વિજ્ઞાન’ અંગે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડો. અનામિક શાહે વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ૨૧મી સદી જ્ઞાનની સદી હોય ત્યારે વૈશ્વિક વાવાઝાડોની આબોહવા આવા દિવસોમાં અનેક પ્રજા અને સંસ્કૃતિને તેના મૂળમાંથી ઊખેડી રહી છે એ સંજોગોમાં મહાત્મા ગાંધી, સરદાર અને વિજ્ઞાનનું સહચિંતન ભવિષ્યમાં સ્પષ્ટ દિશાસૂચન કરાવશે. ડો. શાહે વધુમાં કહ્યું હતું કે ગાંધીજીના વિચાર અને કામગીરીથી પ્રભાવિત અને એના વાહક સરદાર પોતાના વૈજ્ઞાનિક અભિગમ દ્વારા રાજકીય તત્વજ્ઞાનના સિદ્ધાંતો અને વ્યહવારુ સ્વરૂપમાં લાગુ પાડી દેશની એકતાના શિલ્પી બન્યા હતા.
મહિ કેનાલ ફાટતા ખેતરો બેટમાં ફેરવાયાઃ ઉમરેઠ તાલુકાના હમીદપુરા ગામમાં ગત સપ્તાહે મહી કેનાલમાં ૨૨ મીટરનું ગાબડું પડતાં ૩૦૦ વિઘાથી વધુનાં ખેતરોમાં ગોઠણડૂબ પાણી ભરાયાં હતા. કહેવાય છે કે વણાકબોરી ડેમમાંથી મોટી માત્રમાં પાણી છોડાયું હોવા છતાં ચેકડેમના દરવાજા ન ખોલતાં કેનાલ ફાટી હતી. સિંચાઈ વિભાગની બેદરકારીથી થયેલી હમીદપુરા અને આસપાસના ગામના ખેડૂતોની ત્રણ મહિનાની મહેનતથી તૈયાર થયેલો કિંમતી પાક પાણીમાં ગરકાવ થતાં તેમને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
નડિઆદમાં મહિલા કલાર્ક લાંચ લેતા પકડાઈઃ નડિઆદની કલેક્ટર કચેરીમાં એક મહિલા ક્લાર્ક લાંચ લેતા પકડાઇ છે. કૃષિપંચની ઓફિસની મહિલા ક્લાર્કે જમીનમાં બોજા દુર કરવા માટે રૂ. ૫૦,૦૦૦ની લાંચ માંગી હતી. જેમાં વાતચીત કરી ૪૦ હજારની રકમ નક્કી થઈ હતી. જેની ફરિયાદના આધારે અમદાવાદના લાંચ-રૂશ્વત વિરોધી બ્યૂરોએ છટકું ગોઠવ્યું હતું. આ રકમ સાથે મહિલા કર્મચારી ભાવનાબેન શાહ રંગેહાથ ઝડપાઈ હતી.