દાહોદઃ નગરના જાહેર સ્થળો અને ટ્રાફિક સર્કલો પર સ્થાપિત કરવામાં આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર, દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ, આદિવાસી નેતા બિરસા મુંડા અને સ્વામી વિવેકાનંદ જેવા મહાનુભાવોની પ્રતિમા ચહેરા ઉપર ૭મી મેએ સવારે માસ્ક જોઈ નગરજનો અચંબિત થઈ ગયા હતા. કોરોના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. આ સંદેશો નગરજનો સુધી પહોંચાડવા માટે જિલ્લા કલેક્ટરે મહાનુભાવોની પ્રતિમાને માસ્ક પહેરાવવાનો હુમક કર્યો હતો.
દાહોદમાં કોરોનાના ૧૭ પોઝિટિવ દર્દી આવતાં જ જિલ્લા કલેક્ટર ચોંકી ઊઠ્યાં હતાં. કલેક્ટર વિજય ખરાડીને જાણવા મળ્યું હતું કે, દાહોદના મોટાભાગના લોકો માસ્ક પહેરતાં નથી. કોરોનાના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે તેવું જાણતા હોવા છતાંય તેઓ બેદરકારી દાખવી રહ્યાં છે. તેથી તેમણે નવતર અભિગમ અપનાવ્યો હતો. તેમણે દાહોદ નગરના જાહેર સ્થળો અને ટ્રાફિક સર્કલની વચ્ચે મૂકવામાં આવેલી મહાનુભાવોની પ્રતિમાને માસ્ક પહેરાવવાની સૂચના કર્મચારીઓને આપી હતી. જેને પગલે કર્મચારીઓએ એક જ દિવસમાં મહાનુભાવોની તમામ પ્રતિમાઓને માસ્ક પહેરાવી દીધાં હતાં. નગરજનો આ જોઈને આશ્ચર્યચક્તિ થઈ ઊઠ્યાં હતાં. મહાનુભાવોની પ્રતિમાને માસ્ક પહેરાવીને જિલ્લા કલેક્ટરે હજારો નાગરિકોને સંદેશોએ આપ્યા હતો કે, કોરોના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. જિલ્લા કલેક્ટરનું આ પગલું સૂચક હોવાનું લોકોએ જણાવ્યું હતું.