વડોદરાઃ વિશ્વમાં એકમાત્ર વડોદરા નેરોગેજ રેલવે લાઇનને હેરિટેજ તરીકે વિકસાવવાનો નિર્ણય લેવાયો છે. તેથી વડોદરા ડિવિઝનની ગાયકવાડી સ્ટેટની શાન સમાન ૫ નેરોગેજ રેલવે લાઇનને યથાવત્ રાખવામાં આવશે. તેવું રેલવે મંત્રાલયે જાહેર કર્યું છે. જે અંગે વેસ્ટર્ન રેલવેએ જણાવ્યું હતું કે, ૫ લાઇનના ૨૦૪ કિલોમીટરના નેટવર્કને રેલવે બોર્ડ દ્વારા પ્રિઝર્વ કરવાનો આદેશ કરાયો છે. અગાઉ આ નેરોગેજ નેટવર્કને બ્રોડગેજમાં કન્વર્ટ કરવા માટે ૨૦૧૭માં મંજૂરી આપવામાં આવી હતી. નવા રંગરૂપ સાથે નેરોગેજ લાઇન સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આવતા વિદેશી સેહલાણીઓનું આકર્ષણનું કેન્દ્ર બનશે.
ફાઉન્ડેશન સ્ટોનની સાચવણી
ગાયકવાડી સ્ટેટમાં 'ગોયાગેટ' તરીકે ઓળખાતા પ્રતાપનગર રેલવે સ્ટેશન પાસે તત્કાલીન વાઇસરોય દ્વારા કેર સેન્ટર બનાવવા ૨૫ માર્ચ ૧૯૧૯ના રોજ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જે સ્ટોન આજે પણ સાચવવામાં આવ્યો છે.
એન્જિન કેર સેન્ટર
વડોદરા ડિવિઝનના નેરોગેજ નેટવર્ક માટે ૧૮ ડીઝલ એન્જિન કાર્યરત છે. એન્જિન અને કોચનું સમારકામ કરવા શહેરના પ્રતાપનગરમાં એકમાત્ર કેર સેન્ટર આવેલું છે.
૧૯૦૨ના કોચની ચેસીસ, કોચની ફ્રેમ, રિનોવેટ કરેલો કોચ, ટ્રેક બદલવાનાં સાધન, લંડનમાં બનેલા વજનકાંટા, હેરિટેજ ઘંટ વગેરે પણ સાચવી રખાશે.
હેરિટેજ લાઈન
• ડભોઇ- કરજણ ૩૩ કિ.મી.
• મિયાગામ -માલસર ૩૮ કિ.મી.
• ચોરંદા- મોટીકોરલ ૧૯ કિ.મી.
• પ્રતાપનગર -જંબુસર ૫૧ કિ.મી.
• બીલીમોરા-વઘઇ ૬૩ કિ.મી.