ગીતાંજલિ ગ્રુપ સંલગ્ન હોંગકોંગની હીરાની પેઢી રૂ. ૧૫૦૦ કરોડમાં કાચી પડી

Wednesday 22nd August 2018 08:04 EDT
 

સુરતઃ પંજાબ નેશનલ બેંક સાથે કરવામાં આવેલા ફ્રોડ કેસના આરોપી અને ગીતાંજલિ ગ્રૂપના માલિક મેહુલ ચોક્સી હાલ તો ભાગેડુ જાહેર કરાયા છે અને કેન્દ્ર સરકાર તરફથી રેડ કોર્નર નોટીસ પણ ફટકારવામાં આવી છે, જોકે બીજી તરફ મેહુલ ચોક્સીના જમાઈ અને વર્ષોથી હોંગકોંગમાં પોલિશ્ડ ડાયમંડના વેપાર સાથે સંકળાયેલા વેપારીની કંપની ‘મિસ્ટર ટોની’ રૂ. ૧૫૦૦ કરોડમાં કાચી પડતા સુરત ઉપરાંત મુંબઈના હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચ્યો છે. મેહુલ ચોક્સીના જમાઈ અને કંપનીના સંચાલક છેલ્લા ત્રણ દિવસથી ગાયબ થઈ જતા લેણદારો દોડતા થઈ ગયા છે. મિસ્ટર ટોની કંપની દ્વારા હોંગકોંગના કાયદા મુજબ નાદારી નોંધવામાં માટેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
હોંગકોંગમાં વર્ષોથી પોલિશ્ડ ડાયમંડના કારોબાર સાથે સંકળાયેલી ભારતીય કંપનીની નાદારીથી સ્થાનિક હીરા ઉદ્યોગ ઉપરાંત ભારતમાં સુરત અને ખાસ કરીને મુંબઈના હીરા ઉદ્યોગમાં પણ તેની અસર જોવા મળી રહી છે. આ બંને હીરા ઉદ્યોગમાંથી મોટાપાયે પોલિશ્ડ ડાયમંડને એક્સપોર્ટ કરવામાં આવતા હતા, મિસ્ટર ટોની નામની કંપની કાચી પડતા ૫૦૦ કરોડથી વધુની રકમ ભારતીય એક્સપોર્ટરોની ફસાઈ હોવાનું બહાર આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter