વડોદરા: વિધાનસભાની ગત ચૂંટણીમાં છોટાઉદેપુર તાલુકાના દેવળિયા ગામમાંથી ૨૯૦૦ મતો પૈકી માત્ર ૪૦૦ મતો ભાજપને મળ્યાં હતાં. તે ગામના બુથની મુલાકાત પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ૨૨૫ કાર્યકરો કરેલી બુથ મિટિંગમાં ટકોર કરતાં ૩૧મી મેએ કહ્યું હતું કે, વિધાનસભાની સીટ જશે તો ચાલશે, પણ દેવળિયાના બુથ ન જવા જોઈએ.
શાહે ઉમેર્યું હતું કે, હું એક દિવસના ભાજપના વિસ્તારક તરીકે આવ્યો છું. પંડિત દિનદયાળ ઉપાધ્યાય જન્મ શતાબ્દિ નિમિત્તે વિસ્તારક કાર્યક્રમનું આયોજન કરાયું છે. સમગ્ર ભારતમાં ચાર લાખ કાર્યકરો અને ગુજરાતમાં ૪૮ હજાર કાર્યકરો વિસ્તારક તરીકે કામ કરશે. ગુજરાત ભાજપનો ગઢ છે પણ બેસી રહેવું નહીં. સંગઠનને હજુ વધુ મજબૂત કરવાનું છે.
આદિવાસીઓનાં ઘરે ભોજન
અમિત શાહે દેવળિયામાં શાકભાજી વેચતા ભાજપના કાર્યકર પોપટ ઈશ્વરભાઈ રાઠવાના ઘરે જમીન પર બેસી બપોરનું ભોજન લીધું હતું. ચૂલા પર રાંધેલા મકાઈ-બાજરીના રોટલા, ઢેબરા, અડદ-તુવેરની દાળ, ભાત, રીંગણાનું શાક, તાંદળજાનું શાક અને લસણ-મરચાની ચટણી સાથે સાદું ભોજન લીધું હતું.
ભોજન પછી છાશ પીધી હતી. શાહે ભોજન દરમિયાન પોપટ રાઠવાને કહ્યું હતું કે, દાળ સરસ છે શાની છે? તેમ પૂછ્યું હતું અને લસણ-મરચાની ચટણીનો સ્વાદ તેમને ગમ્યો હોવાનું કહ્યું હતું. મકાઈનો રોટલો પણ ભાવતાં તેમણે ફરીથી રોટલો માગ્યો હતો. પોપટ રાઠવાએ અમિત શાહને ચાંદીનું કડું આપ્યું હતું.