વડોદરાઃ ગુજરાતમાં માત્ર વડોદરાથી અમદાવાદનો એક્સપ્રેસ વે છે હવે વડોદરાથી દિલ્હી, વડોદરાથી મુંબઈ અને અમદાવાદથી ધોલેરા સુધીનો નવા એક્સપ્રેસ હાઈવે બનશે. તેમજ રાજસ્થાનના સાંચોરથી રાધનપુર થઈને કચ્છના સામખિયાળી સુધીનો ઈકોનોમિકલ કોરીડોર નિર્માણ પામશે. રાજ્યમાં ૬૫૦ કિમીનો એક્સપ્રેસ હાઈવે બનવાનો હોવાથી ગુજરાત દેશમાં સૌથી લાંબો એક્સપ્રેસ વે ધરાવતું રાજ્ય બનશે.
વડોદરામાં કેન્દ્રીય માર્ગ, ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ ડિપાર્ટમેન્ટના પ્રધાન મનસુખ માંડવિયાએ જાહેર કર્યું હતું કે, ભારત સરકારે ગુજરાતમાં ત્રણ એક્સપ્રેસ વે બનાવવાનુ નક્કી કર્યું છે. જેમાં દિલ્હીથી વડોદરાનો નવો એક્સપ્રેસ વે ૮૪૫ કિમી લાંબો બનશે. જે પાછળ રૂ. ૨૧,૧૨૫ કરોડનો ખર્ચ કરાશે. જેનું કામ આગામી ઓક્ટોબર કે નવેમ્બરથી શરૂ કરાશે અને બે વર્ષમાં એટલે કે નવેમ્બર-૨૦૨૦ સુધીમાં પૂર્ણ કરાશે. આવી જ રીતે, વડોદરાથી મુંબઈ સુધીનો નવો એક્સપ્રેસ હાઈવે બનાવાશે.