નડિયાદ: વતન નરસંડાથી નડિયાદમાં વસેલા પાટીદાર પરિવારના કેન્યામાં એલ્ડોરેટમાં ત્રણ વર્ષ પહેલાં પરિવાર સાથે સ્થાયી થયેલા દીકરા અલ્પેશ પટેલની લૂંટના ઈરાદે કેન્યામાં તાજેતરમાં હત્યા થઈ હોવાના સમાચાર છે. પહેલાં અલ્પેશના મોટાભાઈ સંજયની પણ લૂંટના ઈરાદે જ કેન્યામાં હત્યા કરવામાં આવી હતી. વિદેશમાં ભારતીયો પર થઈ રહેલા આ પ્રકારના હુમલા મામલે સરકાર નક્કર પગલાં ભરે તેવી માગ ભારત અને વિદેશમાંથી ઊઠી છે.
૪૩ વર્ષના અલ્પેશભાઈ ઉર્ફે ગુરુ જસભાઈ પટેલ એલ્ડોરેટમાં કરિયાણાનો સ્ટોર ચલાવતા હતા. સાતમી નવેમ્બરે સાંજે પોતાનો સ્ટોર બંધ કરીને ગાડી લઈને તેઓ ઘરે પરત આવતા હતા તે સમયે કેટલાક અશ્વેતોએ તેમનો પીછો કરીને ગાડીના ટાયરો પર ફાયરિંગ કરીને પંકચર પાડી દીધું હતું. હુમલાખોરોએ અલ્પેશભાઈ પાસે નાણાની માગ કરતાં અલ્પેશભાઈએ નાણાં આપી પણ દીધા પછી લૂંટારુઓ પાસેથી નાણાં ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરતાં લૂંટારુઓએ ત્રણ ગોળી અલ્પેશભાઈ પર છોડી હતી. જેથી અલ્પેશભાઈના પેટમાં ઈજા થઈ હતી અને લૂંટારુઓ નાણાં લઈને ભાગી ગયા હતા. અલ્પેશભાઈને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. બેથી ત્રણેક વર્ષ પૂર્વે અલ્પેશભાઈના મોટાભાઇ સંજય પટેલની પણ આ જ રીતે અશ્વેત લૂંટારુઓ સામે બાથ ભીડતાં તેમની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. એ પછી અલ્પેશભાઈનાં ભાભી એટલે કે સંજયભાઈનાં પત્ની, સંજયભાઈનાં બે સંતાનો, અલ્પેશભાઈનાં પત્ની તથા પોતાનાં બે પુત્રો સાથેના સંપૂર્ણ પરિવારની જવાબદારી વિદેશમાં અલ્પેશભાઈના માથે જ હતી. નડિયાદમાં વસતો પરિવાર જણાવે છે કે અલ્પેશભાઈના મૃત્યુથી પરિવાર ભાંગી પડયો છે. પરિવારે અપીલ કરી છે કે વિદેશમાં ગુજરાતીઓ પર થતા હુમલા અંગે સરકારે ગંભીરતાથી વિચાર કરીને નક્કર પગલાં લેવા જોઈએ.