લોસ એન્જલસઃ રવિવારે યોજાયેલા ઝાકઝમાળભર્યા સમારોહમાં ઓસ્કર એવોર્ડથી સન્માનિત દિગ્ગજોની યાદી પર નજર ફેરવશો તો એક ગુજરાતી નામ ઊડીને આંખે વળગશે. અને આ નામ એટલે જોસેફ મોનિશ પટેલ. ચરોતરના વતની એવા આ ભારતીય-અમેરિકન યુવાને બનાવેલી ‘સમર ઓફ સોલ’ ફિલ્મે ડોક્યુમેન્ટ્રી કેટેગરીમાં ઓસ્કર જીત્યો છે. ફિલ્મના ત્રણ નિર્માતાઓમાંના એક મોનિશ પટેલની આ ફિલ્મ 2021-22 દરમિયાન યુએસમાં ક્રિટીક્સ ચોઈસ ડોક્યુમેન્ટરી એવોર્ડ, સેન્ડેન્સ ફિલ્મ ફેસ્ટિવલ, નેશનલ બોર્ડ ઓફ રિવ્યૂ, બ્રિટીશ એકેડેમી ફિલ્મ એવોર્ડ્સ, પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ અમેરિકા એવોર્ડ્સ સહિત 20થી વધુ એવોર્ડ જીતી ચૂકી છે. જ્યારે પ્રતિષ્ઠિત એકેડેમી એવોર્ડ્સ માટે ‘સમર ઓફ સોલ’ ફિલ્મને શોર્ટલિસ્ટ કરાઇ હતી ત્યારે પટેલે આનંદપૂર્વક ટ્વિટ કર્યું હતું: ‘ઓસ્કાર જીતનાર પ્રથમ પટેલ હોઈ શકે છે!’
અને ખરેખર આવું જ થયું છે. 50 વર્ષીય મોનિશ પટેલે તે સમયે જણાવ્યું હતું કે ‘તે (નોમિનેશન મળવું) ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી અને આ સમાચાર સાંભળ્યા પછી બે કલાક સુધી રડ્યો હતો. આ નોમિનેશન મારા માતા-પિતા અને સમુદાય માટે આશીર્વાદ છે.’ ફિલ્મના ઓસ્કર નોમિનેશન વેળા કરેલી ટ્વિટ સાથે હવે મોનિશ પટેલે એક હાથમાં ટ્રોફી અને બીજા હાથમાં શેમ્પેઇન સાથેનો ફોટો મૂક્યો છે.
ચીખોદરાના વતની
આણંદ નજીકના ચીખોદરાનો વતની અને વડોદરાની હાથી પોળમાં વર્ષો સુધી વસવાટ કરનાર પટેલ પરિવાર દસકાઓ પૂર્વે ચરોતર છોડીને અમેરિકા જઇ વસ્યો અને સાન ફ્રાન્સિસ્કોમાં સ્થાયી થયો છે. પ્રફુલ્લાબહેન અને મહેશભાઇ પટેલના આ પ્રતિભાશાળી પુત્ર વલ્લભ વિદ્યાનગર નજીકના મોગરી ગામના ભાણેજ છે. આમ મોનિશની સિદ્ધિના સમાચાર સાંપડતાં જ ચીખોદરા અને મોગરીમાં વસતાં સ્વજનોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે.
મોનિશ પટેલે એક અખબાર સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે માતા-પિતા સાથેના મારા પ્રવાસનો પ્રારંભ એ સમજણ સાથે થયો હતો કે હું જીવનમાં શું પામવા માંગુ છું. અને આજે હું મારા ક્ષેત્રના શીખરે પહોંચી ગયો છું. આ પ્રસંગે મને ખૂબ જ લાગણીશીલ બનાવી દીધો છે.
તેમણે આ વાતચીત દરમિયાન અમેરિકામાં સીતેર અને એંશીના દાયકામાં પહેલી પેઢીના ભારતીય-અમેરિકન બાળક તરીકે થયેલા અનુભવો પણ તાજા કર્યા હતા. સાથે સાથે જ એ પણ જણાવ્યું હતું કે મોનિશ નામના કારણે લોકો તેની મજાક ઉડાવતા હોવાથી તેમણે નામ બદલીને જોસેફ નામ રાખ્યું હતું.