વડોદરાઃ આણંદના ચકચારભર્યા ચાકા મર્ડર કેસમાં આશરે ૩૦ દિવસ પહેલાં નિર્દોષ છૂટેલો ડોન મુકેશ હરજાણી ૨૦મી ઓક્ટોબરે રાતે ૧૧.૩૦ વાગે વડોદરાની વૃંદાવન ટાઉનશિપમાં રહેતા સાગરીત પપ્પુ શર્માના ઘરે આવ્યો હતો. પપ્પુના ઘરેથી પાછા ફરતી વખતે મુકેશ કારમાં બેસવા જતો હતો ત્યારે ટાઉનશિપના મેઈન ગેટથી ૬૦ ફૂટ દૂર મુકેશ પર અજાણ્યા શૂટરોએ પોઈન્ટ બ્લેન્કથી આડેધડ ગોળીઓ ચલાવીને તેનું ઢીમ ઢાળી દીધું હતું. મુકેશ પર ૯ રાઉન્ડ ગોળીબાર થયા ત્યારે તેની સાથે બીજા ત્રણ માણસો હોવાનું કહેવાય છે.
ઘટનાને નજરે જોનારાઓએ પોલીસને જણાવ્યું કે, મુકેશની હત્યા બાદ બ્લેક કારમાં ધસી આવેલા શૂટરોએ ભાગતી વખતે મુકેશની લોહીથી લથબથ લાશ ઉપરથી કાર દોડાવી મૂકી હતી. ઘટના અંગે તપાસ કરતાં પોલીસને સ્થળ ઉપરથી ૮ ફૂટેલા અને ૧ જીવતો કારતૂસ મળી આવ્યો હતો.
પહેલાં પોલીસને જાણ નહોતી કે મુકેશ પર ફાયરિંગ થયું છે, પરંતુ રાતે ૧૨ વાગ્યા પછી મુકેશની હત્યાની ખબર પડતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળે પહોંચ્યો હતો. પોલીસ મુજબ, ઘટના બાદ શૂટરોને ઝડપી પાડવા માટે વડોદરાની આજુબાજુ નાકાબંધીના આદેશો અપાયા હતા, પરંતુ પોલીસના અંદાજ મુજબ ત્યાં સુધીમાં શૂટરો શહેરની હદ છોડી ચૂક્યા હોવા જોઈએ.
ઘટના વખતે મુકેશ સાથે કારમાં બેઠેલા હરુ સિંધીએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું કે અમે કારમાં બેઠા હતા તે વખતે અચાનક ફટાકડા ફૂટતા હોય તેવો અવાજ થયો અને મુકેશભાઈ ઢળી પડયાં. શૂટરો વિશે હરુ અજાણ હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું. મુકેશના સાગરીત વિજયે આક્ષેપ કર્યો છે કે સિંધી ગેંગે જ મુકેશની હત્યા કરાવી છે.