દાહોદઃ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલી સુજાઇબાગના રહેવાસી સૈફુદ્દીન દુધિયાવાલા અને તેમની પત્ની તથા ત્રણ પુત્રીઓએ ચોથીએ અગમ્ય કારણોસર ઝેર પી જઇ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ કેસમાં તપાસ આદરી છે. આ પરિવારે કયા કારણોસર પોતાની જીવનલીલા સંકેલી લીધી તે હાલ જાણી શકાયું નથી. દાહોદ શહેરના સુજાઈબાગ વિસ્તારમાં દાઉદી વ્હોરા સમાજના એક જ પરિવારના પાંચ સદસ્યો જેમાં (૧) સૈફુદ્દીન શબ્બીરભાઈ દુધિયાવાલા (૪૨) (૨) પત્ની મેજબીન દુધિયાવાલા (૩૫), તેમની ૩ પુત્રીઓ (૩) જૈનબ (૧૬), (૪) અરવા (૧૬) જૈનબ અને અરવા જુડવા પુત્રીઓ છે અને (૫) હુસૈના (૭) આ પાંચેય જણાએ પોતાની જિંદગી ટુંકાવી દીધું હતું.
પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ઝેરી પદાર્થ લઈ આત્મહત્યા કરી હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસ દરમ્યાન આથક સંકડામણને કારણે આ ઘટનાને અંજામ અપાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસે ઘટના સ્થળેથી ભોજનના નમૂના, બીજા પુરાવા સહિતની વસ્તુ એકત્ર કરી છે જ્યારે પરિવારના પાંચેય સદસ્યોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલાઈ હતી. સ્થાનિક ઘટના સ્થળે ચર્ચાતી માહિતી મુજબ પરિવારના મોભીએ પોતાના જ સગા - સંબંધીમાંથી દાગીના લાવ્યો હોવાનું અને તે દાગીના પરત ન આપી શકવાનું કારણ આ ઘટનાની પાછળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ઘટનાને પગલે સ્થળ પર વ્હોરા સમાજના આસપાસના લોકો સહિત પરિવારના ટોળેટોળા ઉમટી પડયા હતા.
સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ
બતુલ એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારનાં મૃતદેહો બે રૂમોમાંથી મળી આવ્યા હતા. એક મૃતદેહ એક રૂમમાંથી મળ્યો હતો. બીજા ચાર મૃતદેહો બીજા રૂમમાંથી મળી આવ્યા હતા. રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે જેમાં લખ્યું છે કે, મારી સ્વીકૃતિથી આ પગલું ભરી રહ્યો છું. આ સુસાઈડ નોટ સિવાય હાલ કોઈ બીજી શંકાસ્પદ કોઈ વસ્તુ મળી નથી.
પિતા બહારગામ હતા
આ કુટુંબના મોભી શબ્બીરભાઈ તેઓની દીકરીને ત્યાં ગયા હતા. દીકરીને ત્યાંથી શબ્બીરભાઈ ઘરે આવવા નીકળતા હતા કે, સૈફીદ્દીનભાઈનો પિતા શબ્બીરભાઈ પર ફોન આવ્યો અને કહ્યું હતું કે, તમે આજે બહેન સકીનાને ત્યા રોકાઈ જાઓ અને સવારે ઘરે આવજો, આમ, પિતા શબ્બીરભાઈ રાત્રી રોકાણ પોતાની દીકરીને ત્યાં કર્યું હતું. વહેલી સવારે સાડા આઠ વાગ્યે ઘરે આવતાં પુત્ર સહિત આખા પરિવારની લાશ ઘરમાં જોતાં પિતા શબ્બીરભાઈના હોશ ઉડી હતા અને રડારોળના દૃશ્યો સર્જાયા હતા.