ગાંધીનગર: પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે રૂ.૩૨૫ કરોડના ખર્ચે હયાત હોસ્પિટલને અપગ્રેડ કરીને નવી મેડિકલ કોલેજ શરૂ કરવા ભારત સરકારે મંજૂરી આપી છે. આ વર્ષથી ગોધરામાં MBBSની ૧૦૦ બેઠકો સાથે નવી મેડિકલ કોલેજ શરૂ થશે. તેવી જાહેરાત ૧૯મી સપ્ટેમ્બરે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કરી હતી.
ભારત સરકારે અગાઉ દેશમાં જ્યાં મેડિકલ કોલેજો નથી ત્યાં કોલેજની સ્થાપના માટે દરખાસ્તો મંગાવી હતી. જેમાં ગુજરાત સરકારે પાંચ જિલ્લામાં હયાત સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરીને મેડિકલ કોલેજો સ્થાપવા દરખાસ્ત મોકલી હતી. જે પૈકી નર્મદા, નવસારી અને પોરબંદર જિલ્લામાં નવી મેડિકલ કોલેજો સ્થાપવા ભારત સરકારે મંજૂરી આપી છે. નીતિન પટેલે કહ્યું કે, ગોધરાની કોલેજ માટે મંજૂરી મળતાં ગુજરાતમાં હવે MBBS અભ્યાસ માટે બેઠકોની સંખ્યા વધીને ૬૦૦૦થી વધુ થશે. આ નિર્ણયથી આદિવાસી ક્ષેત્ર પંચમહાલ જિલ્લાના નાગરિકોને વધુ સારી આરોગ્ય સારવાર મળશે. આ કોલેજ ભારત સરકારના ૬૦ ટકા લેખે રૂ. ૧૯૫ કરોડ અને રાજ્ય સરકારના ૪૦ ટકા લેખે રૂ. ૧૪૦ કરોડ લેખે રૂ. ૧૩૫ કરોડ મળી કુલ રૂ. ૩૨૫ કરોડના ખર્ચે કાર્યરત થશે. જેમાં ગોધરાની હયાત હોસ્પિટલનું અપગ્રેડશન કરીને ખૂટતા સાધનો તથા મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ધારાધોરણ મુજબની સગવડો ઉપલબ્ધ કરાવીને પ્રથમ તબક્કે ૩૦૦ પથારીની સુવિધા ઉપલબ્ધ થશે.