ગોધરાઃ ગોધરામાં રામનગરમાં આવેલા બીએપીએસ સ્વામીનારાયણ મંદિરમાં સાત દિવસના ધાર્મિક મહોત્સવનું આયોજન સંસ્થાના વડા મહંત સ્વામીની ઉપસ્થિતિમાં થયું છે. દરમિયાન ઘોઘંબાના રાજપૂત ફળિયામાં રહેતાં નારસિંહ બાપુજી ગોહિલ તેમના પુત્ર તરુણસિંહ સાથે ૩૦મી જુલાઈએ મહંત સ્વામીના દર્શન માટે ગયા હતા. નારસિંહજીની બંને કીડની ઘણા સમયથી કામ કરતી ન હતી. પુત્રએ મહંત સ્વામીને કહ્યું કે, આપ મારા પિતાની પરમધામમાં જવાની ઇચ્છા પૂર્ણ કરો તેવી મારા પિતાની વિનંતી છે. પિતાએ પણ કહ્યું કે, આપ મારી અક્ષરધામમાં જવાની પ્રાર્થના કરો હું ઘણું જીવ્યો છું. મહંત સ્વામીએ કહ્યું કે, એવું નહીં કહેવાનું, ભગવાનને પ્રાર્થના કરીશું તે યોગ્ય કરશે. મહંતસ્વામીના આશીર્વાદ લઇને પિતા - પુત્ર રૂમમાંથી બહાર નીકળ્યા. પહેલું પગથિયું ઉતરતાં જ પિતા નીચે ઢળી પડયા હતા.
આશીવર્ચન સાચાં પડ્યાં
અક્ષરધામમાં પહોંચેલા નારસિંહ બાપુજી ઘોઘંબા ગ્રામપંચાયતમાં કલાર્ક તરીકે ફરજ બજાવતાં હતા. હરિધામ પહોંચેલા નારસિંહ બાપુજીના પુત્ર તરુણસિંહના જણાવ્યા અનુસાર તેમના પિતા સાથે તેઓ બોચાસણમાં પ્રમુખસ્વામીના દર્શન કરવા અવાર નવાર જતા હતા. બોચાસણના વલ્લભ સ્વામીને મળતા મારા પપ્પાએ એમની પીડા જણાવીને કહ્યુ઼ં હતું કે, મારે પગ ઘસી ઘસીને જવું પડશે તો સ્વામીએ આશીર્વચન આપીને કહ્યું હતું કે, તમે નારાયણ સાથે સંબધ કર્યો છે. તેથી તમારે પગ ઘસવા નહીં પડે. તમને બાપા લેવા આવશે તે આશીર્વચન સાચા પડયા હોવાનું તરુણસિંહ ગોહિલે જણાવ્યું હતું.