આણંદઃ ગાયકવાડી સમયમાં ધમધમતાં ભાદરણ રેલવે સ્ટેશનની સતત અવગણના કરાતાં આ રેલવે સ્ટેશન છેલ્લાં બે દાયકાથી કાટમાળમાં ફેરવાયું હતું. આ અંગે ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરવા છતાં સમારકામ કરવા માટે કોઈ જ કાર્યવાહી થતી ન હતી. આખરે ગ્રામજનોએ લોકફાળા થકી જંગલમાં ફેરવાયેલા રેલવે સ્ટેશનની સાફ સફાઇ કરીને રંગરોગાન કરી નવું સ્વરૂપ આપ્યું છે, સાથે સાથે મુસાફરોને બેસવા માટે ત્રણ ચોતરા અને બાંકડાની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત રેલવે સ્ટેશન શોભી ઉઠે તે માટે ફૂલઝાડના કુંડા મુકાયા છે.
ગાયકવાડી શાસન દરમિયાન ભાદરણથી નડિયાદ નેરોગેજ લાઇન મુસાફરોથી ધમધમતી હતી. દેશ આઝાદ થયા બાદ ભારતીય રેલવે તંત્ર દ્વારા અને સરકાર દ્વારા નેરોગેજ લાઇન પ્રત્યે પૂરતું ધ્યાન અપાતું નહોતું. ટિકિટબારીથી લઇને રેલવે સ્ટાફ પણ ઉઠાવી લેવાયો હતો. રેલવે સ્ટેશનની અંદર તથા આજુબાજુ ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યાં હતાં. આખરે ગ્રામજનોએ ભાદરણ રેલવે સ્ટેશનને પોતાના ખર્ચે જ નવું સ્વરૂપ આપવાનું નક્કી કર્યું.
ગામના શૈલેષભાઈ શાંતીલાલ પટેલ, દિલીપભાઈ હરીભાઇ પટેલ, નવીનભાઈ પુંજાભાઈ પટેલ, નરેશભાઈ ચુનીભાઇ પટેલ વગેરેએ ગામના રેલવે સ્ટેશનને નવું સ્વરૂપ આપવા માટે પહેલ કરી હતી. ગામના દાતાઓ પાસેથી તે માટે દાન એકત્ર કર્યું.
ભાદરણના રહેવાસી શૈલેષભાઈ પટેલ કહે છે કે, સ્ટેશન પર પાણીની સગવડ અને રંગરોગાન પછી અમે રેલવે તંત્ર અને સરકાર સમક્ષ અરજી કરી છે કે સ્ટેશનમાં વીજળી, ટિકિટબારી, જરૂરી સ્ટાફ, સ્ટેશનની ફરતે દીવાલ અને વરંડો બનાવવાની વ્યવસ્થા કરે.