દેવગઢ બારિયાઃ છોટાઉદેપુર જિલ્લાના નાનકડાં આદિવાસી ગામ કેવડીના શાહિદ ભીખાપુરાવાલાની રામહાટ જેવી ઇમાનદારીની દુકાન માનવતાની મહેક પ્રસરાવી રહી છે. આ એક એવી દુકાન છે કે જે તાળાં-ચાવીને હિસાબ-કિતાબ વગર રામભરોસે ચાલે છે. અહીંના ગ્રાહકોની પ્રામાણિકતાથી આ કરિયાણાની દુકાન ધમધમી રહી છે.
૨૪ કલાક ચાલુ રહેતી દુકાન
વડોદરા શહેરના શાહિદ ભીખાપુરવાલા છેલ્લા ૨૮ વર્ષોથી કેવડી ગામમાં કરિયાણા અને ઘરવખરીની નાનકડી અને અનોખી દુકાન ચલાવી રહ્યાં છે. આ દુકાનની વિશેષતા એ છે કે તેના માલિક ઉભો શેઠ એટલે કે, શાહિદભાઇ હાજર ના હોય તો પણ દુકાન ૨૪ કલાક ચાલુ રહે છે. અહીં પોતાના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા આવતાં ગ્રામજનો શાહિદભાઇની ગેરહાજરીમાં પણ સામાન લેવા જાય છે અને જોઇતી વસ્તુ લઇને તેનું મૂલ્ય હોય તેટલા રૂપિયા ગલ્લામાં નાંખી દે છે. કેવડી ગામની રાત્રે મુલાકાત લો ત્યારે પણ આ દુકાન ચાલુ જ જોવા મળે છે. શાહિદભાઇએ જણાવે છેે કે, તેઓ ગામમાં એકમાત્ર વ્હોરા વેપારી છે અને વરસોથી આ જ રીતે વેપાર કરે છે. લોકો જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી કરે છે અને જાતે જ ગલ્લામાં પૈસા ચૂકવીને જતાં રહે છે. ક્યારેય ઓછા પૈસા નીકળ્યા નથી. મારા માટે નાત જાત કે ધર્મનો કોઈ બાધ નથી.
મધની વિદેશમાં પણ નિકાસ
કેવડી ગામ અને તેની આસપાસના જંગલ વિસ્તારમાંથી પથ્થર અને લીમડા જેવાં વૃક્ષો પરથી આદિવાસી લોકો મધ મેળવીને શાહિદભાઈને વેચે છે અને તેઓ વિદેશમાં મોકલે છે.
માત્ર બેટરીની ચોરી
દુકાનની વાત માંડતા શાહિદભાઈ એ જણાવ્યું હતું કે તે ઉમરા કરવા ગયા હતા તે વેળાએ ગયા હતા. તે વેળાં ચોર દુકાનમાં પ્રવેશેલા તો ખરા પણ બેટરી જ સિવાય બીજું કાંઈ લઇ ગયા નહોતા. એને જરૂર હશે તો લઈ ગયો હશે રોકડ પરચુરણ અને સોના-ચાંદીના દાગીના પણ હતા પણ કશુંય ચોરાયુ ન હતુ.
કિંમત ફોન કરીને પૂછે
કેવડીના સરપંચ લીલાબહેન સનાભાઇએ જણાવ્યું હતું કે અમારા ગામમાં દુકાન ખુલ્લી જ રહે છે. વેપારી બરોડા જાય તો પણ દુકાન ખુલ્લી રહે છે. દુકાનમાં જેને જે જોઈએ તે લઈ લેશે અને કિંમત ખબર હોય તો તેના પૈસા ડબામાં મૂકી દે છે અને કિંમત ના ખબર હોય તો ફોન કરી કિંમત પૂછી અને પૈસા ડબામાં મૂકી દે છે.