ચકલાસીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વાહનવ્યવહાર પ્રધાન શંકરભાઈ વાઘેલા (૮૫)નું બિમારી બાદ ગત સપ્તાહે અવસાન થયું છે. કોંગ્રેસના પાયાના કાર્યકર એવા શંકરભાઇ ચકલાસી બેઠક ઉપર ૧૯૮૯થી ૨૦૦૭ સુધી સતત પાંચ ટર્મ સુધી ચૂંટાયા હતા. ૧૯૬૮માં કોંગ્રેસના ભાગલા પડ્યા ત્યારે જનતા મોરચાના એચ.એમ. પટેલને તેમણે હરાવ્યા હતા. આ બેઠકને તેમણે કોંગ્રેસનો ગઢ બનાવી હતી. જોકે, કમનસીબે ચકલાસી બેઠક મહુધા બેઠકમાં વિલીન થતાં કોંગ્રેસે તેમને ટીકીટ ન આપતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પછીથી તેઓ ભાજપમાં જોડાયા હતા. તેઓ સાત વખત ધારાસભ્ય બન્યા હતા. ઉંમરને કારણે છેલ્લાં ઘણાં સમયથી તેમનું આરોગ્ય કથળ્યું હતું.
વિખ્યાત તબલાવાદક વિક્રમ પાટિલનું અવસાનઃ વડોદરાના જાણીતા તબલા વાદક વિક્રમ પાટીલ (વિકી)નું ટૂંકી માંદગી બાદ સોમવારે વડોદરામાં અવસાન થયું હતું. ગુજરાતી લોકસંગીત અને સુગમ સંગીતને દેશભરમાં ધબકતું રાખનાર સદ્ગતની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં કલાકારો જોડાયા હતા. તેમણે પં. રવિશંકર, સંગીતકાર આર. ડી. બર્મન, કલ્યાણજી-આણંદજી, લક્ષ્મીકાંત- પ્યારેલાલ, અવિનાશ વ્યાસ, ગૌરાંગ વ્યાસ, જયદેવ, ભૂપેન્દ્ર અને મિતાલી ઉપરાંત જેવા અનેક દિગ્ગજો સાથે કામ કર્યું હતું.