આણંદઃ ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળનો રજત મહોત્સવ ચારુસેટ કેમ્પસમાં ૧૧મી એપ્રિલે ઉજવાયો હતો. આ સમારંભમાં ‘નિરમા ગ્રૂપ’ના ચેરમેન પદ્મશ્રી કરસનભાઇ પટેલ, પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલ, મુંબઈના પૂર્વ શેરીફ મોહનભાઇ પટેલ, સિગિલ ઈન્ડિયા લિ.ના મેનેજિંગ ડિરેક્ટર મનુભાઈ પટેલ, કેળવણી મંડળ-ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થા અને સીએચઆરએફના પ્રમુખ નગીનભાઇ પટેલ, માતૃસંસ્થા-કેળવણી મંડળ અને સીએચઆરએફના મંત્રી ડો. એમ સી પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડો. પંકજ જોશી ઉપસ્થિત હતા. રજતપર્વના પ્રારંભે કેળવણી મંડળના ઉપપ્રમુખ કિરણભાઈ પટેલે મહેમાનોનો પરિચય આપ્યો હતો અને અતિથિઓને સ્મૃતિચિહ્નો અપાયાં હતાં.
કેળવણી મંડળની ૨૫ વર્ષની ઝાંખી દર્શાવતાં ડો. એમ સી પટેલે કહ્યું કે, ભૂતકાળમાં ગુજરાતના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે દર વર્ષે રૂ. ૩૦૦૦ કરોડ ખર્ચીને અન્ય રાજ્યોમાં અભ્યાસ કરતા તેથી રાજ્યમાં સ્વનિર્ભર શૈક્ષણિક સંસ્થાની સ્થાપનાનો વિચાર કરાયો અને માતૃસંસ્થા, કેળવણી મંડળ, ચારુસેટ– સીએચઆરએફ ઉપરાંત દાતાઓના સહયોગથી સંસ્થા આકાર પામી. નિરમા યુનિ. અને ચારુસેટ શૈક્ષણિક સંસ્થા સાથે મળીને ગુજરાતના વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરના બનાવે તેવી અપીલ પણ ડો. એમ સી પટેલે કરી હતી. ચારુસેટમાં પ્રથમવાર આવેલા કરસનભાઈ પટેલે કહ્યું કે, શૈક્ષણિક સંસ્થાઓએ શિક્ષણની સાથે વિદ્યાર્થીઓને નીતિ – મૂલ્યોનું શિક્ષણ આપવું પણ જરૂરી છે. તેમણે કહ્યું, નાણા કમાઈને તેનો યોગ્ય ઉપયોગ અને દાન કરે તે પાટીદાર. દાન આપવાની પ્રથા પાટીદારોના ડીએનએમાં છે. દિનશા પટેલે કહ્યું કે, સમાજના છેવાડાના માનવીને પણ દાન ઉપયોગી થઇ શકે તેવું કાર્ય કરીએ તે વિકાસ છે. આ પ્રસંગે સુરેન્દ્રભાઈ પટેલ, દાતા મનુભાઈ પટેલ, નગીનભાઈ પટેલ અને ડો. એમ આઈ પટેલે પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતાં.
આ પ્રસંગે ‘ચમોસથી ચારુસેટ અવિરત- સહિયારી વિકાસ યાત્રા’ પુસ્તકનું લોકાર્પણ મહેમાનોના હસ્તે કરાયું હતું. આ ઉપરાંત સંસ્થાની ૨૫ વર્ષની વિકાસયાત્રાની દસ્તાવેજી ફિલ્મ રજૂ થઈ હતી. આ પ્રસંગે કેળવણી મંડળના ઉપપ્રમુખ ચીમનભાઈ પટેલ, સહમંત્રી મધુબહેન પટેલ અને ગિરીશભાઇ બી પટેલ, સીએચઆરએફના ઉપપ્રમુખ વિરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થાના ખજાનચી પ્રિ. આર વી પટેલ, માતૃસંસ્થાના ઉપપ્રમુખ વી એમ પટેલ, સીએચઆરએફના જોઇન્ટ સેક્રેટરી દિલીપભાઈ પટેલ, ચારુસેટના સલાહકાર ડો. બી જી પટેલ, અશોક પટેલ અને ડો. એચ જે જાની, ચારુસેટ યુનિ.ના રજિસ્ટ્રાર ડો. દેવાંગ જોષી સહિત માતૃસંસ્થા, કેળવણી મંડળ, સીએચઆરએફના હોદેદારો, ટ્રસ્ટીઓ, વિવિધ કોલેજોના પ્રિન્સિપાલ, ડીન અને વિદ્યાર્થીઓ હાજર હતા.