નડિયાદઃ ખેડા જિલ્લાના ચરોતર પંથકના ગામ તળાવોમાં મગરોની સંખ્યા ઘણી બધી છે. અનુકૂળ હવામાનને લીધે વર્ષોથી મગરોને ખેડાના ગામડાઓનાં તળાવોમાં વસવાટ ફાવી ગયો છે. આથી વિદ્યાનગરની એક સંસ્થા દ્વારા શિક્ષકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને એનજીઓના કાર્યકર્તાઓના સહયોગથી ખેડાના ૨૬ ગામોના તળાવોમાં મગરની વસતી ગણતરી કરતા ૧૩૧ મગરો નોંધાયા છે જેમાં સોજીત્રા તાલુકાના દેવા ગામે સૌથી વધુ ૫૯ મગરો નોંધાયા છે.
• પાવાગઢ મંદિર ૩ માળનું બનશેઃ ૫૧ શક્તિપીઠ પૈકી પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા રૂ. ૩૦૦ કરોડના ખર્ચે પાવાગઢ વિકાસનો પ્લાન તૈયાર કરાયો છે. પાવાગઢ મંદિર ત્રણ માળનું બનાવાશે, જેમાં ઉપર મંદિર તથા નીચે ઓફિસ અને રૂમ બનાવાશે. માંચીથી મંદિર સુધી નવાં પહોળાં પગથિયાં અને દુકાનો સહિત યાત્રાળુઓ માટે તમામ સુવિધા વિકસાવાશે. પાવાગઢ ડુંગર પર આવેલા ૭ તળાવનું બ્યુટિફિકેશન કરાશે. ડુંગર પર પિકનિક સ્પોટ વિકસાવાશે. પહેલાં તબક્કામાં મંદિરનું કામ શરૂ કરાશે અને અઢી વર્ષમાં કામ પૂરું કરવાનું લક્ષ્યાંક છે.