આણંદઃ ચરોતર પ્રદેશ એટલે કસદાર ધરતી અને પાણીદાર પટેલોની ભૂમિ. ચરોતર એટલે સરદાર સાહેબની ધરા. આણંદ જિલ્લો સરદાર સાહેબની કર્મભૂમિ તો ખેડા જિલ્લો જન્મભૂમિ. કોંગ્રેસનો ગઢ ગણાતા આ બંને જિલ્લામાં હજી જ્ઞાતિવાદ જ સર્વોપરી છે. કોંગ્રેસના આ ગઢમાં ભાજપ વર્ચસ્વ જમાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. કોંગ્રેસ ગામોમાં ફેલાયેલા મંડળીઓના માળખા પર તો ભાજપ પેજસમિતિ પર મદાર રાખી રહી છે. ‘આપ’નું ફેકટર અહીં ઝાઝું નુકસાન કરે તેવી શકયતા ઓછી છે.
આણંદની 7 બેઠકની વાત કરીએ તો તેમાંથી 3 બેઠક પર નામની લડાઇ છે. બોરસદ, આંકલાવ, સોજિત્રામાં ભાજપે પરિશ્રમ કરવો પડશે. પેટલાદમાં કોંગ્રેસને નિરંજન પટેલની નારાજગી નડી શકે છે. ઉમરેઠમાં કોંગ્રેસને કારણે એનસીપીને ધાર્યું પરિણામ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડશે. ભાજપે અહીં રિપીટ થિયરી અપનાવી છે.
ખેડા જિલ્લામાં ભાજપ પોતાનો ગઢ મજબૂત બનાવી રહ્યું છે. ગત ચૂંટણીમાં 6 બેઠક પૈકી 3 ભાજપ અને 3 કોંગ્રેસ પાસે હતી. કોંગ્રેસ માટે ઘરના ભેદી મોટો પડકાર બની રહ્યા છે. અહીંની 3 બેઠકો પર નામ માત્રની લડાઇ રહેશે. જયારે અન્ય 3 બેઠકો પર જંગ જામશે. આણંદ અને ખેડા જિલ્લાની 13 બેઠકો પર શું સ્થિતિ પ્રવર્તે છે તેનો અહીં કયાસ રજૂ કર્યો છે.
• આંકલાવ: આ બેઠક બન્યા બાદ કોંગ્રેસનું એકહથ્થુ શાસન છે. અમિત ચાવડા 2 ટર્મથી જીતી રહ્યા છે. ‘ખામ’ થીયરી સામે ભાજપે ખૂબ મહેનત કરવી પડે તેમ છે. રાજકીય નિષ્ણાતો કહે છે કે કોંગ્રેસનો ગઢ ગણાતા આ બંને જિલ્લામાં જ્ઞાતિવાદ જ સર્વોપરી છે.
• ઠાસરા: કોંગ્રેસનું પ્રભુત્વ ધરાવતી બેઠક પર પગપેસારો કરવા માટે ભાજપે નવો ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો છે. અગાઉ આ બેઠક પર હારી ચૂકેલા અમૂલના ચેરમેન રામસિંહના પુત્ર યોગેન્દ્રસિંહ મેદાનમાં છે.
• માતર: ભાજપ બે ટર્મથી અહીં જીતી રહ્યો છે. વર્તમાન ધારાસભ્ય કેસરીસિંહની ટિકિટ કાપીને તેના સ્થાને કલ્પેશ પટેલને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે બે વખત હારેલા ઉમેદવારને ટિકિટ આપીને જંગમાં ઉતાર્યા છે.
• આણંદ: ગત ટર્મમાં કોંગ્રેસે 5 હજાર મતથી આ બેઠક કબજે કરી હતી. આ નજીવી સરસાઇને પોતાની તરફેણમાં ફેરવવાના મક્કમ ઇરાદા સાથે ભાજપે પાટીદાર ઉમેદવાર રિપીટ કર્યા છે.
• ખંભાત: છેક 1990થી અહીં ભાજપનો દબદબો છે. આશરે 2.33 લાખ મતદારોમાંથી 82 હજાર ઓબીસી અને અન્ય જ્ઞાતિના છે. ક્ષત્રિય મતદારોની સંખ્યા 70 હજારની આસપાસ છે.
• મહુધા: કોંગ્રેસે ઇન્દ્રજિત પરમારને જ આ બેઠક પર રિપીટ કર્યા છે. તેમના પિતા અહીં 7 ટર્મ જીત્યા હતા. બીજી તરફ, ભાજપે કોંગ્રેસમાંથી આવેલા સંજયસિંહ મહીડાને મેદાનમાં ઉતાર્યા છે.
• પેટલાદ: કોંગ્રેસે 6 ટર્મથી જીતતા નિરંજન પટેલને બદલે નવા ઉમેવાર ડો. પ્રકાશ પરમારને ચૂંટણીમાં ઉતાર્યા છે. ભાજપે પાટીદાર મતોને અંકે કરવા માટે કમલેશ પટેલ પર પસંદગી ઉતારી છે. કોંગ્રેસનો ઉમેદવાર બદલવાનો દાવ સફળ થાય છે કે ભાજપનો પાટીદાર ઉમેદવાર ઉતારવાનો વ્યૂહ સફળ થાય છે તે સમય જ કહેશે.
• ઉમરેઠ: એનસીપીને કોંગ્રેસનો આંતરિક અસંતોષ અને કકળાટ નડી જાય તેવી પૂરી શક્યતા છે. અને જો આમ થયું તો ભાજપને આ બેઠક જાળવી રાખવાનું આસાન થઇ જશે. ક્ષત્રિય અને પાટીદાર ઉમેદવાર વચ્ચે બેઠક વહેંચાતી આવી છે.
• બોરસદ: કોંગ્રેસ 2002ના પ્રચંડ જુવાળમાં પણ હારી ન હતી. આ જ વાત દર્શાવે છે કે આ બેઠક કોંગ્રેસનો કેટલો મજબૂત ગઢ છે. માધવસિંહના સમયથી અહીં કોંગ્રેસનું વર્ચસ્વ છે. અમૂલના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહને રિપીટ કરાયા છે.
• નડિયાદ: ભાજપનો ગઢ ગણાતી બેઠક પર પીઢ નેતા પંકજ દેસાઇ સામે કોંગ્રેસના હાર્દિક પટેલ ચૂંટણી લડી રહ્યા છે. જોકે નડિયાદ અને આસપાસના ગામોમાં ભાજપનું વર્ચસ્વ વધુ છે. કોંગ્રેસનો ગજ વાગે તેવી શક્યતા ઓછી છે.
• મહેમદાવાદ: ભાજપે છેલ્લી ઘડીએ આ બેઠક પર મંત્રી અર્જુનસિંહ ચૌહાણને રિપીટ કર્યા છે. બીજી બાજુ, કોંગ્રેસે નવા ઉમેદવાર જુવાનસિંહ ચૌહાણ પર દાવ લગાવ્યો છે.
• કપડવંજ: ત્રણ ટર્મથી આ બેઠક પર કોંગ્રેસ જીતે છે. ભાજપે કોંગ્રેસના ઉમેદવારના સારથી ગણાતા રાજેશ ઝાલાને ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસે તેના ઉમેદવાર તરીકે કાળુસિંહ પરમારને રિપીટ કર્યા છે.
• સોજીત્રા: આ બેઠક પર 1995 સુધી ક્ષત્રિય ઉમેદવારોનું વર્ચસ્વ હતું. જોકે બે ટર્મથી નજીવા મતે જીતી રહ્યાં છે. કોંગ્રેસના રિપીટ ઉમેદવાર સામે ભાજપે જિલ્લા પ્રમુખને ટિકિટ આપી છે.