આણંદઃ શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના રજતજયંતી વર્ષ (૧૯૯૪ – ૨૦૧૯)નો તાજેતરમાં ભવ્ય પ્રારંભ થયો હતો. ચમોસ કેળવણી મંડળની રજત જયંતીની ઉજવણી અંગે ડો. એમ સી પટેલે સંસ્થાની વિકાસગાથાની માહિતી આપી હતી. આ ઉજવણીનો પ્રારંભ સંગીત, નૃત્ય સાથે રંગબેરંગી ફુગ્ગા ઉડાડીને તથા ફટાકડા ફોડીને કરાયો હતો.
આ સાથે ૨૨મી માર્ચના રોજ ચારુસેટ હોસ્પિટલ ચાંગામાં હર્ષાબહેન અને નગીનભાઈ એમ પટેલ ઓબસ્ટરેટીકસ એન્ડ ગાયનેકોલોજી ઓપરેશન થિયેટર તથા ચમોસ માતૃસંસ્થા ડિપાર્ટમેન્ટ ઓફ પેથોલોજીના નામાભિધાનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. માતૃસંસ્થા અને સીએચઆરએફના પ્રમુખ નગીનભાઈ પટેલ તથા હર્ષાબહેને ઓબસ્ટરેટીકસ એન્ડ ગાયનેકોલોજી ઓપરેશન થિયેટરનું તકતી અનાવરણ કર્યું હતું. દાતા હર્ષાબહેન નગીનભાઈ પટેલ તરફથી આ વિભાગ માટે રૂ. ૧ કરોડનું દાન મળ્યું છે. તેથી મૂળ ચકલાસીના અને યુએસમાં વસતા દાતા હર્ષાબહેન પટેલને સંસ્થાની પરંપરા પ્રમાણે દાન ભાસ્કર એવોર્ડ અર્પણ કરાયો હતો.
નગીનભાઈના પુત્ર અમરીષભાઈ અને પુત્રવધૂ માલાબહેન, માતૃસંસ્થાના ટ્રસ્ટી અને ‘નયા પડકાર’ અખબારના તંત્રી એવા નગીનભાઈના નાનાભાઈ દીપક પટેલ, હર્ષાબહેનના બહેન - બનેવી હંસાબહેન અને રાવજીદાસ તેમજ તેમનાં સગા સંબંધીઓની આ પ્રસંગે ઉપસ્થિતિ હતી. ચકલાસી ગામ વતી પણ હર્ષાબહેન પટેલનું પુષ્પગુચ્છ અને મેમેન્ટોથી સન્માન કરાયું હતું. આ સાથે સુરેન્દ્ર પટેલનાં પત્ની ઉપરાંત ડો. એમ સી પટેલનાં પત્ની શારદાબહેનનું પણ સન્માન કરાયું હતું. સીએચઆરએફના ઉપપ્રમુખ અને કેળવણી મંડળના ટ્રસ્ટી વીરેન્દ્ર પટેલે કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. સીએચઆરએફના ખજાનચી અને કેળવણી મંડળના ઉપપ્રમુખ કિરણ પટેલે નગીનભાઈ અને હર્ષાબહેન સહિત મહેમાનોનો પરિચય આપ્યો હતો.
ટ્રસ્ટના મંત્રી ડો. એમ સી પટેલે પુષ્પગુચ્છથી અને કેળવણી મંડળ અને ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલે શાલ ઓઢાડીને હર્ષાબહેનનું સન્માન કર્યું હતું. ચારુસેટ હોસ્પિટલનાં ચીફ ઓપરેટીંગ ઓફિસર
ડો. ઉમા પટેલે હોસ્પિટલની રૂપરેખા આપી હતી અને ચારુસેટના પ્રોવોસ્ટ ડો. બી જી પટેલે ચારુસેટ યુનિ.નો પરિચય આપ્યો હતો. માલાબહેન અમરીષભાઈ પટેલ દ્વારા મહાદાન પરત્વે સંતોષ અને આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે અગ્રણી દાતા દેવાંગ પટેલ (ઈપ્કોવાળા), મુંબઈના પૂર્વ શેરીફ અને અગ્રણી ઉધોગપતિ ડો. એમ આઈ પટેલ, કેળવણી મંડળ, માતૃસંસ્થા અને સીએચઆરએફના સ્થાપક મંત્રી ડો. એમ સી પટેલ, કેળવણી મંડળ અને ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, ડો. એ સી પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ - કિરણભાઈ પટેલ (કમ્ફી ફર્નિચર), જોઈન્ટ સેકેટરી ધીરુભાઈ પટેલ, મધુબહેન પટેલ ઉપરાંત ગિરીશભાઈ પટેલ, ડો. વાય સી પટેલ, વિષ્ણુભાઈ પટેલ, ડો. મંજુલા પટેલ, કેળવણી મંડળ, માતૃસંસ્થા અને સીએચઆરએફનાના હોદેદારો, કારોબારી સભ્યો, ચારુસેટ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. દેવાંગ જોશી, ચારુસેટના એડવાઈઝર્સ, વિવિધ શાખાઓના ડીન, પ્રિન્સિપાલ તથા અન્ય લગ્ન ગોળના વડીલો સહિત ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલ માટે સરોજબહેન વી. એમ. પટેલ તરફથી તેમનાં લગ્નજીવનનાં ૫૦ વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં રૂ. ૧ લાખનો ચેક તથા ચરોતર ગેસ સહકારીમંડળી તરફથી સંસ્થાને રૂ. ૧૫ લાખનો અર્પણ થયો હતો. અગાઉ ચરોતર ગેસ સહકારી મંડળીએ ચારુસેટ હોસ્પિટલને રૂ. ૧૭ લાખ ૫૦ હજારનું દાન આપ્યું હતું. અમરીષભાઈ તરફથી ચારુસેટમાં હર્ષાબહેનના નામે રૂ. પાંચ લાખના ગોલ્ડ મેડલ જાહેરાત કરાઈ હતી.
માતૃસંસ્થા અને સીએચઆરએફના પ્રમુખ નગીનભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજે મને ઘણું આપ્યું છે હવે મારે ઋણ ચૂકવવાનું છે. સમાજ દ્વારા સ્થપાયેલી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને તેમજ હોસ્પિટલ દ્વારા ચરોતરના ૩૫થી ૪૫ ગામોના લોકોને સ્વાસ્થ્યની સેવા મળે છે તે સરાહનીય છે.
ચારુસેટ હોસ્પિટલનાં ચીફ ઓપરેટીંગ ઓફિસર ડો. ઉમા પટેલ અને તેમની ટીમે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમના ઉદઘોષક તરીકે
ડો. શરદ પટેલે પ્રશંસનીય સેવાઓ આપી હતી.