આણંદઃ ચરોતર એજ્યુકેશન સોસાયટીએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં આઠ વિશ્વ વિક્રમ નોંધાવીને દેશમાં દૂધનું પાટનગર ગણાતા આણંદને ૨૬મી માર્ચે ‘સિટી ઓફ વર્લ્ડ રેકોર્ડઝ’ તરીકેની નવી ઓળખ આપી છે. અત્યંત નોંધપાત્ર બાબત એ છે કે આ તમામ વિક્રમો વિદ્યાર્થીઓએ સર્જ્યા છે.
સીઇએસ આ અનોખી સિદ્ધિ મેળવનારી ભારતની પ્રથમ શિક્ષણ સંસ્થા બની છે. આ શિક્ષણ સંસ્થાનું મેનેજમેન્ટ માને છે કે, આ વિશ્વ વિક્રમો શિક્ષણ ક્ષેત્રે એક સિમાચિહ્ન તો બની જ રહેશે, પણ સાથે સાથે મેળવેલી સિદ્ધિઓને કારણે ગુજરાતના શિક્ષણ જગતની પ્રતિષ્ઠાને પણ એક નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ છે. આ આઠ વિશ્વ વિક્રમોને ગિનિસ વર્લ્ડ રેકોર્ડઝના અધિકારીઓ તરફથી વિક્રમ તરીકે અધિકૃત માન્યતા મળી ચૂકી છે અને તેનાં સર્ટિફિકેટ્સ પણ ઇશ્યૂ કરી દેવાયાં છે. નોંધનીય છે કે આ વર્ષમાં આ તમામ વિશ્વ વિક્રમો વિક્રમજનક ગાળામાં પ્રાપ્ત કરાયા છે. સંસ્થાએ ગયા વર્ષે એપ્રિલમાં તેનું શતાબ્દિ વર્ષ ઉજવવાની શરૂઆત કરી હતી અને આ વર્ષે એપ્રિલમાં ઉજવણીનું સમાપન કરાશે તેવી જાહેરાત કરી હતી. શતાબ્દિ ઉજવણીના ભાગ તરીકે ૧૦૦ સમારંભોનું આયોજન કરાયું હતું અને એમાંના આઠ કાર્યક્રમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં વિશ્વવિક્રમ તરીકેનું સ્થાન પામ્યા છે.