પેટ્રોલપંપ અપાવવાના બહાને રૂ. ૫૩ લાખની છેતરપિંડી
નડિયાદઃ કમલેશભાઇ જયસ્વાલ (રહે. અમદાવાદ), તેમના મિત્ર મોબીન અખ્તર સાબિરઅલી તથા રાજકુમાર ગોસ્વામી (રહે. અમદાવાદ) એમ ત્રણેયે ભેગા મળીને ભાગીદારીમાં પેટ્રોલપંપ વેચાણથી લેવાનું નક્કી કર્યું હતું. ઓગસ્ટ, ૨૦૨૦માં ત્રણ જમીન દલાલ વસંત જાદવ, તુષાર સુતરિયા અને બકુલ પરમાર મારફત કઠલાલ તાલુકાના અપ્રુજીના મુવાડા ગામે અશોક રબારીનો પેટ્રોલપંપ રૂ. ૮૦ લાખમાં વેચાણથી લેવાનું નક્કી થયું. જે પ્રમાણે અશોકભાઇને ટુકડે ટુકડે કુલ રૂ. ૫૩.૫૦ લાખ ચૂકવી આપ્યા છતાં પેટ્રોલપંપના દસ્તાવેજ કરવા બહાના બનાવી અશોક રબારી ભાગી ગયો ત્યારે અશોકના ભાઈ જીતુ રબારી, નાગજી રબારી તથા ગીતાબહેન રબારીએ પેટ્રોલપંપ તમને જ આપવાનો છે કહી કમલેશભાઈ અને તેમના મિત્રોને વિશ્વાસમાં લીધા હતા. આ પછી કમલેશભાઈ અને તેમના મિત્રો અવારનવાર પેટ્રોલપંપે ધક્કા ખાતા હતા. છેલ્લે કમલેશભાઈ અને તેના મિત્રો પેટ્રોલપંપે ગયા ત્યારે જીતુ રબારીએ ગાળો બોલીને કહ્યું કે, ફરીથી આવશો તો જાનથી મારી નાંખીશ. એ પછી કમલેશભાઈએ અશોક રબારી, જીતુ રબારી, નાગજી રબારી તથા ગીતાબહેન રબારી સામે ધાકધમકી અને છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પિયરમાં રહેતી પરણિતાને રૂ. ૨૫ લાખ લાવવા કહી મારપીટ
નડિયાદઃ શહેરના દિવાળી પોળ, ડભાણભાગોળ નજીક રહેતા સંજયકુમાર મફતલાલ ચાવડાની દીકરી એક્તાબહેન (ઉ. વ. ૨૬)નાં લગ્ન બનાસકાંઠાના ડીસાના હાલ અમદાવાદના રહીશ બિનીતકુમાર વિનયકુમાર શાહ સાથે જ્ઞાતિના રીતરિવાજ મુજબ થયા હતા. એકાદ વર્ષ પહેલાં બિનીત શાહે એકતાબહેનને દહેજ લાવી નથી અને મારે ટ્યૂશન ક્લાસ શરૂ કરવા છે તેથી રૂ. ૨૫ લાખ લઈ આવ કહી માર માર્યો હતો. આ ઉપરાંત બિપીન શાહે પત્નીની જાણ બહાર તેના ખાતામાંથી રૂ. ૧૫ લાખ પણ ટ્રાન્સફર કરી લીધા હતાં. આખરે કંટાળી એકતાબહેન પિયર નડિયાદ રહેવા આવી ગયા હતાં અને તાજેતરમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પતિ બિનીત શાહ, સાસુ નીતાબહેન શાહ તથા કાકા સસરા રાજુ શાહ (રહે. બનાસકાંઠા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શિનોર માર્ગ પર અકસ્માત: બે ટ્રક વચ્ચે અથડામણ
ડભોઇઃ શિનોર માર્ગ પર ચોથી ઓક્ટોબરે શિરોલા ગામ પાસે નાગપુરથી ચોખા ભરીને અમદાવાદ જતી ટ્રકની સામે ડભોઇ તરફથી પૂરપાટ ઝડપે મહારાષ્ટ્ર તરફ જતી ટ્રક ધસી આવતાં બે ટ્રક વચ્ચે ભયંકર અથડામણ થઈ હતી. નસીબજોગે બંને વાહનોના ચાલકો અને ક્લિનરનો આબાદ બચાવ થયો હતો. જોકે વાહનોમાં નુક્સાન થયું હોવાથી આઇસર ટ્રકના ચાલક સામે બેદરકારીથી વાહન ચલાવી અકસ્માત કરવા અંગેની ફરિયાદ ચોખા ભરેલ ટ્રકના ચાલક જગદીશભાઇ રામભાઇ બાબરિયાએ નોધાવતા ડભોઇ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આઇસર ટ્રકના ચાલક નાનાભાઇ ચૌધરીની ધરપકડ કરી હતી.